આજે વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સારો ઉછાળો નોંધાયો છે. ડૉલર સામે રૂપિયો મજબૂત બનવો અને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતોને કારણે રોકાણકારોમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા ખરીદીનો માહોલ પણ ફરી એકવાર ગરમાયો છે. જોકે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી મોંઘવારી માટે ચિંતાનો વિષય બની રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
શેરબજારના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં આજે 627 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. ગત રોજ 75183.36 પર બંધ થયેલો સેન્સેક્સ આજે 75810ના હાઈ સુધી પહોંચ્યો હતો અને હાલમાં 75718.59ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ ગત દિવસના 23654ના ક્લોઝિંગ સામે આજે 181 પોઈન્ટ વધીને 23807ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બજારમાં સતત બીજા દિવસે તેજી રહેતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સોનું-ચાંદી સસ્તાં થતા ખરીદીનો માહોલ
વાયદા બજારમાં આજે સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાંદી ગત રોજ 274883 પર બંધ થઈ હતી જે આજે ઘટીને 272016 રૂપિયા સુધી પહોંચી હતી. એટલે કે ચાંદીમાં કુલ 2867 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. ગત રોજ 159606 રૂપિયા પર બંધ થયેલું સોનું આજે 158816 રૂપિયા સુધી તૂટ્યું હતું, જેમાં કુલ 719 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
ક્રૂડ ઓઈલમાં તેજી, રૂપિયો મજબૂત
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. ગત રોજ 102 ડૉલર સુધી ગગડેલું બ્રેન્ટ ક્રૂડ આજે ફરી 105 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતો અનુસાર ક્રૂડ ઓઈલના વધતા ભાવ મોંઘવારી માટે ખતરાની ઘંટડી સમાન બની શકે છે. જોકે બીજી તરફ ડૉલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. ગત રોજ 96.10 પર બંધ થયેલો રૂપિયો આજે 95.71 સુધી મજબૂત થયો છે. એટલે કે રૂપિયાની કિંમતમાં લગભગ 40 પૈસાનો સુધારો નોંધાયો છે.