Advertisement

શેરબજારમાં 'બ્લેક ટ્યૂઝડે': સેન્સેક્સ 800 પોઈન્ટ્સ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડ્યા

શેરબજારમાં 'બ્લેક ટ્યૂઝડે': સેન્સેક્સ 800 પોઈન્ટ્સ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડ્યા

મુંબઈ: ભારતીય શેરબજાર માટે આજનો મંગળવાર 'બ્લેક ટ્યૂઝડે' સાબિત થયો છે. વૈશ્વિક તણાવ અને આર્થિક સમીકરણો બદલાતા આજે ટ્રેડિંગની શરૂઆતથી જ બજારમાં ભારે વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ એક તબક્કે 800થી વધુ પોઈન્ટ્સ ગબડીને 75,200ના સ્તર પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 50માં પણ 200 પોઈન્ટ્સનો મોટો કડાકો નોંધાયો હતો. બજારમાં આ ભૂકંપ પાછળ મુખ્યત્વે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પ્રત્યેનું કડક વલણ અને મધ્ય પૂર્વમાં યુદ્ધની વધતી જતી આશંકા જવાબદાર માનવામાં આવે છે.


બજારમાં કડાકાનું સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના શાંતિ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો તે છે. ટ્રમ્પે ઈરાનની માંગણીઓને "કચરો" ગણાવી યુદ્ધવિરામની શક્યતાઓને નકારી કાઢી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વધી છે. આ અશાંતિની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરને પાર કરી જતાં ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોટો આર્થિક ફટકો પડ્યો છે. ક્રૂડના વધતા ભાવને કારણે ફુગાવો વધવાની બીકે રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.


બીજી તરફ, ભારતીય રૂપિયો પણ ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. ડોલર સામે રૂપિયો 95.55 ના સ્તર પર સરકી જતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી મોટાપાયે નાણાં ખેંચવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને IT સેક્ટરના શેરોમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધીને 4.423% થતા રોકાણકારો શેરબજારને બદલે બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આજે નિફ્ટી F&O ની એક્સપાયરી હોવાને કારણે બજારમાં અસ્થિરતામાં વધુ વધારો થયો હતો, જેણે નાના રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

Advertisement