વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કેસમાં ખંભાત તાલુકાના ખડોધી ગામના 28 વર્ષીય યુવાનને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી પર ₹50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપી દીપક પરમાર સામે વડોદરાની સગીરાને ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યાનો કેસ નોંધાયો હતો. આ મામલે વર્ષ 2025માં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
કેસની તપાસ દરમિયાન પોલીસે સાક્ષીઓના નિવેદનો, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ સહિતના મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે સમયસર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
મામલાની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશ સી. પટેલે કોર્ટ સમક્ષ વિવિધ પુરાવા અને દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની રજૂઆતો તથા કેસમાં રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી હતી.
આ ઉપરાંત કોર્ટે ₹50 હજારનો દંડ ફટકાર્યો છે. જેમાંથી ₹45 હજારની રકમ ભોગ બનનાર સગીરાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ એક વર્ષની સખ્ત કેદ ભોગવવી પડશે.
આ ચુકાદા સાથે સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે.