નવી દિલ્હી: સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 11 એપ્રિલના રોજ સંસદ પરિસરમાં મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આયોજિત કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ વચ્ચે થોડી ક્ષણો માટે ચર્ચા થતી જોવા મળી હતી. રાજકીય વિરોધ છતાં બંને વચ્ચેની આ સૌજન્ય મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
વીડિયોમાં સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સહિતના અગ્રણીઓ હાજર જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં હાજર તમામ મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ રાહુલ ગાંધી પાસે પહોંચ્યા ત્યારે થોડી ક્ષણો માટે રોકાઈને બંને વચ્ચે ટૂંકી ચર્ચા પણ થઈ હતી.
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતી નિમિત્તે સંસદમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે મહાન સમાજ સુધારક મહાત્મા ફૂલેનું સમગ્ર જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણના આદર્શો માટે સમર્પિત રહ્યું છે અને તેમના વિચારો સમાજને સતત પ્રેરણા આપતા રહેશે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે મહાત્મા ફૂલે મહિલાઓ અને સમાજના વંચિત વર્ગોના અધિકારો માટે અગ્રેસર રહીને લડત આપી હતી. તેમના પ્રયાસોને કારણે શિક્ષણ સમાજમાં સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે. 11 એપ્રિલ 1827ના રોજ જન્મેલા મહાત્મા ફૂલેના સન્માનમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.