વલ્લભ વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સંદેસર કેનાલ પાસે થયેલી બાઈક ચોરીના બનાવમાં વિદ્યાનગર પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે ફરતા એક વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી દારૂના નશામાં હોવાનું જણાયું હતું અને વધુ પૂછપરછ કરતા તેના પાસેથી મળી આવેલ બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મૂળ માલિકનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
પકડાયેલ આરોપી હિતેષભાઈ નટુભાઈ પરમાર (રહે. કરમસદ) હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-23BF-6676) કિંમત અંદાજે રૂ. ૩૫,૦૦૦ કબ્જે લેવામાં આવી છે. આ કામગીરી વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. મુનિયા અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.