ભારત અને અમેરિકા વચ્ચે મહિનાોથી ચાલી રહેલી વાટાઘાટો બાદ આખરે મોટી ટ્રેડ ડીલ જાહેર કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ Donald Trumpએ ભારત પર લાગુ કરવામાં આવેલા ટેરિફમાં 18 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરતા જ ભારતીય બજારમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે.
મંગળવારે (3 ફેબ્રુઆરી) બજાર ખુલતા જ Sensexમાં 2,546 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે Nifty ઇન્ડેક્સ પણ 724 પોઈન્ટ સુધી વધ્યો હતો. રોકાણકારોમાં ભારે ખરીદી જોવા મળી અને બજાર લીલા નિશાન સાથે ખુલ્યું.
મોદી–ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત બાદ જાહેરાત
ટ્રેડ ડીલ અંગેની જાહેરાત ગઇકાલે ભારતના વડાપ્રધાન Narendra Modi અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ કરવામાં આવી હતી. બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે માહિતી આપી હતી.
અમેરિકાની તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, હવે ભારતમાંથી અમેરિકા મોકલાતા માલ પર માત્ર 18 ટકા ટેરિફ લાગુ રહેશે, જે અગાઉની તુલનામાં નોંધપાત્ર ઘટાડો છે. આ નિર્ણયને ભારત માટે વેપારિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પના દાવા: રશિયન ઓઈલ અને અમેરિકી પ્રોડક્ટ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ સાથે જોડાયેલા કેટલાક મોટા દાવાઓ પણ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ભારત હવે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે, જેના કારણે યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. જોકે, આ દાવાને લઈને ભારત સરકારે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી.
આ ઉપરાંત ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગતા ટેરિફમાં ભારે ઘટાડો કરવામાં આવશે. એનર્જી, ટેકનોલોજી, કૃષિ સહિતના અનેક સેક્ટરમાં અમેરિકી પ્રોડક્ટ્સ માટે ભારતીય માર્કેટના દરવાજા ખુલશે. તેમના જણાવ્યા મુજબ, અમેરિકાની 500 અબજ ડોલરથી વધુની વસ્તુઓ ભારતના બજારમાં વેચાશે.
મોદીની પ્રતિક્રિયા: પુષ્ટિ વગર સંયમિત નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રેડ ડીલ અંગે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી, પરંતુ તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે તેવી કોઈ સ્પષ્ટ પુષ્ટિ આપવામાં આવી નથી. તેમજ કૃષિ પ્રોડક્ટ્સ અથવા ટેરિફમાં મોટા ફેરફાર અંગે પણ તેમણે કોઈ વિગતવાર ઉલ્લેખ કર્યો નથી.
આથી સ્પષ્ટ થાય છે કે ટ્રેડ ડીલ અંગે હજુ પણ ઘણા મુદ્દાઓ પર સત્તાવાર સ્પષ્ટતા આવવાની બાકી છે. તેમ છતાં, ટેરિફ ઘટાડાની જાહેરાતથી ભારતીય શેરબજારમાં આવેલો ઉછાળો રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.