ભારતમાં સોનું માત્ર કિંમતી ધાતુ નથી…
પરંતુ મુશ્કેલીના સમયમાં સહારો અને પેઢીઓથી ચાલતું વિશ્વાસનું રોકાણ છે. એટલે જ આજે પણ લોકો સોનું દાગીના, સિક્કા કે લગડીના સ્વરૂપે ખરીદવાનું પસંદ કરે છે.
પરંતુ સવાલ એ છે કે રોકાણ માટે ફિઝિકલ ગોલ્ડ જ જરૂરી છે કે હવે Gold ETF પણ સારો વિકલ્પ બની શકે?
લાંબા ગાળાના આંકડા જોવામાં આવે તો સોનાએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. ઉપલબ્ધ ઐતિહાસિક ડેટા મુજબ, 15 વર્ષના સમયગાળામાં સોનાનું સરેરાશ વાર્ષિક વળતર લગભગ 9થી 10 ટકા, જ્યારે 10 વર્ષના સમયગાળામાં તે આશરે 12 ટકાની આસપાસ રહ્યું છે. જોકે, આ ભૂતકાળનું પ્રદર્શન છે અને ભવિષ્યમાં આવું જ વળતર મળશે તેની કોઈ ગેરંટી નથી.
હવે વાત કરીએ ફિઝિકલ ગોલ્ડની.
દાગીના ખરીદતી વખતે સોનાની કિંમત ઉપરાંત 3 ટકા GST અને મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. મેકિંગ ચાર્જ દાગીના પ્રમાણે બદલાય છે અને કેટલીક સ્થિતિમાં નોંધપાત્ર હોઈ શકે છે.
ઉપરાંત, ઘરમાં સોનું રાખો તો ચોરીનું જોખમ…
અને લોકરમાં રાખો તો તેનો અલગ ખર્ચ.
સૌથી મહત્વની વાત એ કે જ્યારે દાગીના વેચવામાં આવે ત્યારે મેકિંગ ચાર્જની સંપૂર્ણ રકમ પાછી મળતી નથી અને અન્ય કપાત પણ થઈ શકે છે. એટલે તમે જે કિંમત ચૂકવીને દાગીના ખરીદ્યા હોય અને વેચતી વખતે મળતી કિંમત વચ્ચે તફાવત રહે છે.
હવે આવે છે Gold ETF!
Gold ETF એટલે સોનામાં રોકાણ કરવાની એવી રીત, જેમાં તમારે ઘરે સોનું રાખવાની જરૂર પડતી નથી.
ભારતમાં Gold ETFની શરૂઆત 2007માં થઈ હતી. તેને શેરની જેમ સ્ટોક એક્સચેન્જ પર ખરીદી-વેચી શકાય છે અને તેના માટે સામાન્ય રીતે Demat અને Trading Accountની જરૂર પડે છે.
એટલે દાગીના બનાવડાવવાની, ચોરીની ચિંતા કરવાની કે લોકરમાં રાખવાની ઝંઝટ રહેતી નથી.
Gold ETFનો ભાવ સોનાના બજાર ભાવ સાથે જોડાયેલો હોય છે. જોકે તેમાં પણ Expense Ratio એટલે કે ફંડ મેનેજમેન્ટનો વાર્ષિક ખર્ચ હોય છે, જે સ્કીમ પ્રમાણે બદલાય છે.
અને અહીં એક મહત્વની વાત—Gold ETF એટલે સીધું સોનું હાથમાં મળતું નથી. તે એક નાણાકીય રોકાણ સાધન છે અને તેની કિંમત સોનાના ભાવ સાથે વધઘટ કરે છે.
તો પછી ફિઝિકલ ગોલ્ડ કે Gold ETF?
જો તમારો હેતુ માત્ર લાંબા ગાળે સોનામાં રોકાણ કરવાનો છે, તો Gold ETF એક વિકલ્પ બની શકે છે.
પરંતુ જો લગ્ન, તહેવાર કે ભેટ માટે ખરેખર દાગીનાની જરૂર હોય, તો ફિઝિકલ ગોલ્ડનો ઉપયોગ વ્યવહારુ છે.
એટલે સોનું ખરીદતા પહેલાં માત્ર આજનો ભાવ નહીં…
GST, મેકિંગ ચાર્જ, સંગ્રહનો ખર્ચ, શુદ્ધતા, વેચાણ વખતે થતી કપાત અને રોકાણનો હેતુ—આ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે.
સોનું એક જ છે… પરંતુ તેને ખરીદવાની રીત તમારા ખર્ચ અને અનુભવમાં મોટો ફરક પાડી શકે છે.