રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સોસાયટીમાં સવા બે વર્ષની બાળકીના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીની માતાએ જ તેને પાંચમા માળેથી ફેંકી દીધી હોવાની કબૂલાત આપી છે. શરૂઆતમાં માતાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખોટી કહાની રજૂ કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી એક સોસાયટીમાં 12 ઓક્ટોબરની સાંજે આશરે સાત વાગ્યે 2 વર્ષ અને 4 મહિનાની બાળકી પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં બાળકી નીચે કેવી રીતે પડી તે અંગે રહસ્ય સર્જાયું હતું, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં માતાની ભૂમિકા સામે આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકી જ્યાંથી નીચે પડી હતી ત્યાં આશરે ચાર ફૂટ ઊંચી દીવાલ આવેલી છે. આટલી ઊંચી દીવાલ પર આટલી નાની બાળકી પોતાની જાતે ચડી શકે તેમ ન હોવાની શંકાને પગલે પરિવારજનોએ પણ ઘટનાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ બી-ડિવિઝન પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી.
માતાએ પોલીસ સમક્ષ રજૂ કરી હતી ખોટી કહાની
ઘટના બાદ બાળકીની માતાએ દાવો કર્યો હતો કે તે બાથરૂમમાં હતી ત્યારે તેને બાળકીનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ તે ઘરની બહાર નીકળી અને સોસાયટીમાં આસપાસના ઘરોમાં બાળકીની શોધખોળ કરવા ગઈ હતી. જોકે, પાંચમા માળે પહોંચ્યા બાદ તેને કોઈ બાળક નીચે પડ્યું હોવાની વાત જાણવા મળી હતી. નીચે જઈને જોયું ત્યારે તે પોતાની જ દીકરી હોવાનું સામે આવ્યું હતું.
14 ઓક્ટોબરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પણ મહિલાએ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તેણે બાળકીની હત્યા કોઈ અન્ય વ્યક્તિએ કરી હોવાની વાત કહી હતી. જોકે, તપાસ દરમિયાન તેના નિવેદનો અને અન્ય વિગતોને આધારે પોલીસને શંકા વધુ મજબૂત બની હતી.
પતિ સાથેના વિવાદ વચ્ચે માવતરે રહેતી હતી મહિલા
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પતિ સાથેના ઝઘડાને કારણે મહિલા પોતાની બાળકી સાથે માવતરે રહેતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ પૂછપરછ દરમિયાન પોતાના અન્ય પ્રેમસંબંધ અને બાળકી પ્રત્યે અણગમો હોવાની વાત સાથે જોડાયેલું કારણ આપ્યું હોવાનું જણાવાયું છે. જોકે, આ બાબતો અંગે તપાસની વધુ વિગતો સામે આવવાની બાકી છે.
15 લોકોની પૂછપરછ, CCTV પણ તપાસ્યાં
બાળકીના શંકાસ્પદ મોત બાદ રાજકોટ બી-ડિવિઝન પોલીસના પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માતા, પરિવારજનો અને આસપાસ રહેતા લોકો સહિત આશરે 15 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી.
સોસાયટીનાં CCTV ફૂટેજ પણ તપાસવામાં આવ્યાં હતાં, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, કેમેરામાં રેકોર્ડિંગ થતું ન હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી કપડાં, ચાદર, ગોદડાં, ચપ્પલ અને કુંડાં જેવી વસ્તુઓ પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકવામાં આવતી હોવાની માહિતી પણ સામે આવી હતી.
બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી.
માતાની પૂછપરછ બાદ કબૂલાતનો દાવો
બી-ડિવિઝન પોલીસના પીઆઈ જી.આર. ચૌહાણના જણાવ્યા અનુસાર, માતાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે જ બાળકીને પાંચમા માળેથી ફેંકી દીધી હોવાની કબૂલાત આપી હતી. આ મામલે હવે બાળકીના પિતાને ફરિયાદી બનાવવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઘટનાએ રાજકોટમાં ભારે ચકચાર જગાવી છે. સવા બે વર્ષની માસૂમ બાળકીના મોત પાછળનું સત્ય બહાર લાવવા પોલીસ દ્વારા આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.