રાજકોટમાં ધોરણ-9ની સગીરા સાથે દુષ્કર્મનો આક્ષેપ, પૂર્વ શિક્ષક સામે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ

રાજકોટમાં ધોરણ-9ની સગીરા સાથે દુષ્કર્મનો આક્ષેપ, પૂર્વ શિક્ષક સામે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ

રાજકોટ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે એક શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સગીરા અગાઉ રાજકોટની સરકારી શાળામાં ધોરણ-6થી 8 સુધી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ત્યાં ગણિત વિષય ભણાવતા શિક્ષકે તેને સારા માર્ક્સથી પાસ કરાવવાની લાલચ આપી હતી અને વિરોધ કરવા પર નાપાસ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

દીકરીના વર્તનમાં બદલાવ આવતા માતાએ પૂછપરછ કરી

ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2026 દરમિયાન સગીરા ખૂબ જ ગુમસુમ અને ગભરાયેલી રહેતી હોવાથી તેની માતાએ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી. ત્યારબાદ સગીરાએ અગાઉ બનેલી ઘટનાઓ અંગે માતાને જાણ કરી હતી.

સગીરાના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026 દરમિયાન આરોપી શિક્ષકે તેને અભ્યાસમાં સારા માર્ક્સ અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ ક્લાસમાં એકલી હોય ત્યારે તેની સાથે અયોગ્ય વર્તન કર્યાનો આક્ષેપ છે. વિરોધ કરવા પર અભ્યાસમાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

સ્કૂલમાંથી બહાર લઈ જઈ દુષ્કર્મનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં એક દિવસે આરોપી શિક્ષકે સગીરાને સ્કૂલમાંથી પોતાની સાથે આવવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં તેને અભ્યાસમાં નાપાસ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ત્યારબાદ શિક્ષક તેને કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે. ઘટના બાદ સગીરાને ફરી સ્કૂલ નજીક ઉતારી દેવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ત્યારબાદ પણ ધમકી આપી હોવાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, આ ઘટના બાદ પણ આરોપી શિક્ષક સગીરાને અન્ય વિદ્યાર્થીઓ મારફતે અલગ ક્લાસરૂમમાં બોલાવતો હતો અને તેની સાથે અયોગ્ય વર્તન કરતો હતો. સગીરાએ આ અંગે કોઈને જાણ ન કરે તે માટે તેને ધમકી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરી

સગીરાની માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

દરમિયાન રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીના જણાવ્યા મુજબ, પોલીસ તરફથી ફરિયાદની નકલ મળ્યા બાદ શિક્ષક સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. જો શિક્ષક 48 કલાક સુધી કસ્ટડીમાં રહે છે તો નિયમ મુજબ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.