Advertisement

પવન ખેડાના નિવાસસ્થાને આસામ પોલીસના ધામા: મુખ્યમંત્રીના પત્ની પર '3 પાસપોર્ટ'ના આક્ષેપ બાદ વિવાદ વકર્યો, જાણો શું છે મામલો

પવન ખેડાના નિવાસસ્થાને આસામ પોલીસના ધામા: મુખ્યમંત્રીના પત્ની પર '3 પાસપોર્ટ'ના આક્ષેપ બાદ વિવાદ વકર્યો, જાણો શું છે મામલો

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ આક્ષેપોના પગલે નોંધાયેલી FIR બાદ આજે (૭ એપ્રિલ, ૨૦૨૬) આસામ પોલીસની એક ટીમ દિલ્હી પોલીસ સાથે પવન ખેડાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પૂછપરછ માટે પહોંચી છે. જેને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.


શું હતા પવન ખેડાના ગંભીર આક્ષેપો?

ગત ૫ એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેડાએ સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુઈયા સરમા પાસે ત્રણ અલગ-અલગ પાસપોર્ટ છે, જેમાંથી બે પાસપોર્ટ મુસ્લિમ દેશોના છે. ખેડાએ ભારતની 'સિંગલ સિટિઝનશીપ'ના કાયદાનો હવાલો આપી સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી અનિયમિતતા છતાં સરકાર કેમ મૌન છે? તેમણે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસની માંગણી કરી હતી.


મુખ્યમંત્રીનો પલટવાર અને કાયદાકીય કાર્યવાહી

પવન ખેડાના આ દાવાઓને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સદંતર પાયાવિહોણા અને મનગઢંત ગણાવ્યા છે. તેમણે પવન ખેડાને આકરો જવાબ આપતા ૪૮ કલાકમાં ફોજદારી અને માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી હતી. જે અંતર્ગત ૬ એપ્રિલના રોજ રિંકી ભુઈયા સરમાએ પવન ખેડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આસામ પોલીસ આજે દિલ્હીમાં પવન ખેડાના ઘરે તપાસ માટે પહોંચી છે.


નફરતની રાજનીતિના આક્ષેપો

પવન ખેડાએ માત્ર પાસપોર્ટ જ નહીં, પરંતુ મુખ્યમંત્રીની વિચારધારા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે હિમંત બિસ્વા સરમા એક તરફ મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવાની રાજનીતિ કરે છે, જ્યારે બીજી તરફ તેમના પોતાના પરિવાર પાસે જ મુસ્લિમ દેશોના પાસપોર્ટ હોવાના પુરાવા છે. હાલમાં પોલીસ પવન ખેડાના ઘરે હાજર છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે, જેને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement