દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઇઝરાયલની સુરક્ષા એજન્સીઓમાં અચાનક દોડધામ મચી ગઈ હતી. વિમાનમાંથી પહેલા 7700 ઇમર્જન્સી કોડ અને ત્યારબાદ 7500 કોડ મોકલવામાં આવ્યો હતો. 7500 કોડનો ઉપયોગ સામાન્ય રીતે વિમાનમાં હાઇજેક અથવા ગેરકાયદેસર દખલની સ્થિતિ દર્શાવવા માટે થાય છે.
એલર્ટ મળ્યા બાદ ઇઝરાયલે સાવચેતીના ભાગરૂપે વિમાન તરફ ફાઇટર જેટ્સ મોકલ્યા હતા. જોકે, થોડા સમય બાદ સ્પષ્ટ થયું કે વિમાનમાં હાઇજેક જેવી કોઈ સ્થિતિ નહોતી.
વિમાનનું સાઉદી અરેબિયા તરફ ડાયવર્ઝન
ફ્લાઇટમાં આશરે 180 મુસાફરો સવાર હતા, જેમાં 150થી વધુ ઇઝરાયલી નાગરિકો હોવાનું સામે આવ્યું છે. એલર્ટ બાદ વિમાને પોતાનો નિર્ધારિત માર્ગ બદલીને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ તરફ ઉડાન ભરી હતી.
ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાન સાઉદી અરેબિયાની હવાઈ સીમામાં પહોંચ્યા બાદ તેના મૂળ રૂટથી અલગ થઈ ગયું હતું. બાદમાં તેને તાબુક એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
પાઇલટ્સ વચ્ચે વિવાદ બાદ મોકલાયો હતો 7500 કોડ?
વિમાનના લેન્ડિંગ બાદ પ્રાથમિક માહિતીમાં હાઇજેકની આશંકા દૂર થઈ હતી. ઇઝરાયલી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનના બંને પાઇલટ્સ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન 7500 કોડ મોકલાયો હોવાની માહિતી સામે આવી છે.
CNNના અહેવાલ મુજબ, પાઇલટ્સ વચ્ચેની ઘટના હિંસક સ્વરૂપ ધારણ કરી હતી. જોકે, બંને પાઇલટ્સ વચ્ચે વિવાદ કયા મુદ્દે થયો હતો અને 7500 કોડ ચોક્કસ કયા સંજોગોમાં મોકલાયો હતો તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઇઝરાયલમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા
હાઇજેક એલર્ટ મળતાં ઇઝરાયલની સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. હિબ્રુ મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી વચ્ચે પણ આ મુદ્દે કટોકટીની ચર્ચા થઈ હતી.
દરમિયાન ઇઝરાયલી એરફોર્સના ફાઇટર જેટ્સને પણ સક્રિય કરવામાં આવ્યા હતા અને વિમાનની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી રહી હતી.
ફ્લાઇટ-ટ્રેકિંગમાં પણ થોડા સમય માટે સ્થિતિ દેખાઈ નહીં
વિમાન સાઉદી અરેબિયા તરફ વળ્યા બાદ થોડા સમય માટે કેટલીક ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સ પર તેની સ્થિતિ દેખાવાની બંધ થઈ હતી. ત્યારબાદ વિમાન તાબુક એરપોર્ટ પર ઉતર્યું હતું.
હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. પાઇલટ્સ વચ્ચે થયેલા વિવાદનું ચોક્કસ કારણ, 7500 કોડ મોકલવા પાછળનું કારણ અને ઘટનાક્રમ અંગે વધુ સત્તાવાર માહિતી તપાસ પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.