Advertisement

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા પર કેન્દ્રની સ્પષ્ટતા: દેશમાં 60 દિવસનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા પર કેન્દ્રની સ્પષ્ટતા: દેશમાં 60 દિવસનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં

દેશમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયંત્રણમાં છે. દેશના ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ અથવા એલપીજીની સપ્લાયમાં કોઈ ઘટાડો થયો નથી અને તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.


મંત્રાલયે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ખોટી માહિતી ફેલાવતી કેમ્પેઈનથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલ સંપૂર્ણ ઉપલબ્ધ

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો ક્રૂડ ઓઈલ રિફાઈનર દેશ છે અને પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસમાં પાંચમા સ્થાને છે. ભારત 150થી વધુ દેશોમાં રિફાઈનર કરાયેલ ઈંધણની નિકાસ કરે છે.


તે કારણે દેશમાં ઘરેલુ ઉપયોગ માટે પેટ્રોલ અને ડીઝલ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. દેશના તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે ચાલુ છે અને કોઈપણ સમસ્યા વગર ઈંધણનું વિતરણ કરી રહ્યા છે.


ભારત પાસે 60 દિવસનો ઈંધણ સ્ટોક

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ભારતીય તેલ કંપનીઓએ આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઈલ પુરવઠાના કરારો પહેલેથી જ કરી લીધા છે. હાલમાં ભારત પાસે કુલ 74 દિવસની અનામત ક્ષમતા છે, જ્યારે વાસ્તવિક સ્ટોક કવર લગભગ 60 દિવસનું છે.


આ સ્ટોકમાં કાચું તેલ, રિફાઈનર ઉત્પાદનો તેમજ ભૂગર્ભ ગુફાઓમાં સંગ્રહિત વ્યૂહાત્મક તેલ ભંડારનો સમાવેશ થાય છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટના 27મા દિવસે પણ આગામી બે મહિના માટે કાચા તેલની ખરીદી સુરક્ષિત કરવામાં આવી હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.


દેશમાં LPG ગેસની પણ કોઈ અછત નથી

સરકારે એલપીજી ગેસ અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દેશમાં ગેસની કોઈ અછત નથી. એલપીજી ઉત્પાદન વધારવા માટે લેવામાં આવેલા પગલાં બાદ ઘરેલુ રિફાઈનરી ઉત્પાદન લગભગ 40 ટકા વધારવામાં આવ્યું છે.


હાલમાં દૈનિક એલપીજી ઉત્પાદન 80 TMTની કુલ જરૂરિયાત સામે લગભગ 50 TMT છે, જે દેશની જરૂરિયાતના 60 ટકા કરતાં વધુ છે. ઓઈલ કંપનીઓ દરરોજ 50 લાખથી વધુ સિલિન્ડરની ડિલિવરી કરી રહી છે.


અફવાઓના કારણે એક સમયે સિલિન્ડરની માંગ 89 લાખ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હવે તે ફરી ઘટીને લગભગ 50 લાખ સિલિન્ડર પર આવી ગઈ છે.

Advertisement