Advertisement

પેટલાદના મોરડમાં 14 વર્ષથી જમીન પર ગેરકાયદે કબજો: મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો

પેટલાદના મોરડમાં 14 વર્ષથી જમીન પર ગેરકાયદે કબજો: મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો

પેટલાદના મોરડમાં 14 વર્ષ અગાઉ વેચાણે રાખેલી જમીન ખેતર પાડોશી મહિલા જ ખેડતી હતી. ઉપજમાં થયેલો પાક પણ મૂળ માલિકને આપતી નહોતી. અવાર-નવાર કહેવા છતાં પણ મહિલા જમીન ખાલી ન કરતા આખરે સમગ્ર મામલો મહેળાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ મામલે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદના મોરડ સ્થિત બ્રહ્મપોળ ટેકરાવાળા ફળીયા ખાતે 47 વર્ષીય અમિતકુમાર હર્ષદભાઈ પંડ્યા રહે છે. તેમણે મહેળાવ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012માં તેમણે ગામમાં રહેતા જયંતીભાઈ બેચરભાઈ પરમાર સહિત અન્ય ભાગીદારોની મળીને ગામની સીમમાં આવેલી જમીન ખરીદી હતી. આ જમીનની બાજુમાં જ ગામમાં રહેતા જશોદાબેન મણીભાઈ પરમારની જમીન આવેલી હતી. જોકે, એ સમયથી જ તેઓ તેમની જમીન ઉપરાંત અમિતકુમારની જમીન પણ ખેડતા હતા. આ બાબતે તેઓએ તેમનું ધ્યાન દોર્યું હતું.


પરંતુ મહિલા તેમની જમીન ખેડીને તેમાંથી મળતી ઉપજ પણ તેમને આપતી નહોતી. જેને પગલે તેમણે તેમને જમીન ખાલી કરવા કહ્યું હતું. પરંતુ મહિલા તેમને જમીન ખાલી કરી આપતી નહોતી. આખરે, આ મામલે તેમણે આણંદ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી આપી હતી. અરજીના અનુસંધાનમાં તપાસ કરાઈ હતી. જેમાં તમામ ડોક્યુમેન્ટસ તેમના તરફી હોવાનું ખૂલતાં જ કલેક્ટર કચેરી દ્વારા મહિલા વિરૂદ્ધ મહેળાવ પોલીસને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવાનો આદેશ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement