પાકિસ્તાન સામે હવે પોતાના જ સરહદી વિસ્તારમાં લડવા માટે વિદેશી સૈનિકોની મદદ લેવાનો વારો આવ્યો છે?
બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોના વધતા હુમલાઓ વચ્ચે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર દબાણ વધ્યું હોવાના અહેવાલો છે. અને હવે આ પડકારનો સામનો કરવા માટે પાકિસ્તાને લગભગ 2 હજાર ભૂતપૂર્વ અફઘાન સૈનિકો અને પોલીસકર્મીઓની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, ભરતી કરાયેલા લોકોમાંથી મોટાભાગના એવા ભૂતપૂર્વ અફઘાન સુરક્ષાકર્મીઓ છે, જેઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકી દળો સાથે મળીને તાલિબાન સામે લડાઈ લડી હતી.
એક ભૂતપૂર્વ અફઘાન સૈનિકના જણાવ્યા પ્રમાણે, તેમને દર મહિને 40 હજાર પાકિસ્તાની રૂપિયા એટલે કે અંદાજે 13 હજાર 800 ભારતીય રૂપિયા પગાર મળે છે.
પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાનને અફઘાન સૈનિકોની જરૂર કેમ પડી?
બલૂચિસ્તાનમાં બળવાખોર સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ અને હાઇવેને નિશાન બનાવવાના બનાવો સામે આવી રહ્યા છે.
PICSSના અહેવાલ મુજબ, માત્ર બે મહિનામાં 172 હુમલા નોંધાયા હતા, જ્યારે જુલાઈમાં હુમલા અને સુરક્ષા ઓપરેશન દરમિયાન 62 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા.
નૌશ્કીમાં બળવાખોરો પાસેથી નિયંત્રણ મેળવવા માટે પાકિસ્તાની સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરવો પડ્યો હોવાનો પણ અહેવાલ છે.
બીજી તરફ, 2021માં તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફર્યા બાદ અનેક ભૂતપૂર્વ અફઘાન સૈનિકોની નોકરી અને આવક બંધ થઈ ગઈ હતી. કેટલાક પાકિસ્તાન આવી ગયા હતા અને આર્થિક મુશ્કેલી વચ્ચે તેમને પાકિસ્તાની સુરક્ષા દળોમાં કામ મળ્યું હોવાનો અહેવાલ છે.
પાકિસ્તાન માટે આ ભૂતપૂર્વ સૈનિકોનો ફાયદો એ છે કે તેઓ પહેલેથી જ હથિયારો ચલાવવા, સરહદી વિસ્તારોમાં કામગીરી અને સૈન્ય અભિયાનનો અનુભવ ધરાવે છે. એટલે તેમને મૂળભૂત તાલીમથી શરૂઆત કરવાની જરૂર ઓછી પડી શકે છે.
બલૂચિસ્તાનમાં પડકાર કેટલો વ્યાપક છે તેનો અંદાજ એ વાત પરથી પણ આવે છે કે પાક ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝના અહેવાલ મુજબ, ગયા વર્ષે 254 હુમલા નોંધાયા હતા. જેમાં બલૂચ બળવાખોર સંગઠનો સાથે જોડાયેલા 225 હુમલા 27 જિલ્લાઓમાં થયા હતા.
હવે પાકિસ્તાન સામે પડકાર માત્ર બલૂચિસ્તાનમાં સુરક્ષા જાળવવાનો નથી, પરંતુ બળવાખોરો સામેની લડાઈમાં ભૂતપૂર્વ અફઘાન સુરક્ષાકર્મીઓની મદદ લેવાના આ નિર્ણયનું પરિણામ શું આવશે, તેના પર પણ નજર છે.