ચંદીગઢ: પંજાબમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુરુવારે EDની ટીમે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) ના નજીકના સહયોગીઓને ત્યાં સપાટો બોલાવ્યો હતો. ચંદીગઢ અને મોહાલી સહિત કુલ 12 સ્થળોએ હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જેમાં તપાસથી બચવા માટે રોકડ ભરેલી બેગ બિલ્ડિંગના નવમા માળેથી નીચે ફેંકવામાં આવી હતી.
EDની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના ખરડ પાસેના છજ્જૂ માજરા સ્થિત 'વેસ્ટર્ન ટાવર્સ' સોસાયટીમાં બની હતી. સોસાયટીના ફ્લેટ નંબર 906માં જ્યારે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા, ત્યારે અંદર હાજર લોકોએ ગભરાટમાં આવીને અંદાજે 20 લાખ રૂપિયા રોકડા ભરેલી બે બેગ નવમા માળેથી નીચે ફેંકી દીધી હતી. નીચે હાજર EDના અધિકારીઓએ તુરંત જ આ બેગ કબજે કરી હતી અને જમીન પર વિખરાયેલા નોટોના બંડલો એકઠા કર્યા હતા.
આ દરોડા સનટેક સિટી પ્રોજેક્ટમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. EDની રડારમાં અજય સહગલ, ABS ટાઉનશીપ્સ પ્રાઈવેટ લિમિટેડ, એટલાસ બિલ્ડર્સ અને ધીર કન્સ્ટ્રક્શન જેવા નામો સામેલ છે. આરોપ છે કે આ બિલ્ડરોએ GMADA (ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી) પાસેથી CLU લાયસન્સ મેળવવામાં મોટા પાયે છેતરપિંડી કરી છે અને જનતા પાસેથી સેંકડો કરોડ રૂપિયા પડાવી લીધા છે.
આ સમગ્ર કેસમાં નીતિન ગોહલના સ્થાનો પર પણ કડક તપાસ ચાલી રહી છે. નીતિન ગોહલ મુખ્યમંત્રી ભગવંત માનના OSD રાજબીર ઘુમનના અત્યંત નજીકના મનાય છે.
શું છે આરોપ? નીતિન ગોહલ પર આરોપ છે કે તેઓ એવા બિલ્ડરોને રાજકીય રક્ષણ પૂરું પાડી રહ્યા છે જેમણે GMADAની સરકારી ફી ચૂકવી નથી.
શંકાસ્પદ ભૂમિકા: તેઓ પંજાબ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) વતી એક સંપર્ક અધિકારી (Liaison Officer) તરીકે કામ કરતા હોવાની પણ શંકા સેવાઈ રહી છે.
મુખ્યમંત્રીના નજીકના વર્તુળમાં EDની આ એન્ટ્રીથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ED હાલમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો અને રોકડના આધારે મની ટ્રેલની તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસાઓ અને ધરપકડની શક્યતા નકારી શકાતી નથી.