નવસારીના ઇટાળવા ચાર રસ્તા નજીક ઓપેરા હાઉસ પાસે શ્વાન સાથે કથિત ક્રૂરતા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર CCTV ફૂટેજ વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ઇટાળવા ચાર રસ્તા પાસે આવેલા એક કેફેની આસપાસ રહેતા શ્વાનને લઈને કથિત રીતે કેફે સંચાલક દ્વારા કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્વાનને ડ્રમમાં પૂરીને તેને સિમેન્ટના કોથળામાં બંધ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બાદમાં તેને રોડની આસપાસની નિર્જન જગ્યાએ લઈ જઈને ફેંકી દેવામાં આવ્યો હોવાનો દાવો છે.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વાયરલ થયા હતા. ફૂટેજ સામે આવ્યા બાદ પશુપ્રેમીઓ અને નાગરિકોએ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
મામલો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા બાદ નવસારી પોલીસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસના સત્તાવાર હેન્ડલ પરથી જણાવાયું છે કે ઘટનાને ગંભીરતાથી લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના આધારે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજ, ઘટનાની હકીકત અને તેમાં સંડોવાયેલા લોકો અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.