નવરાત્રી નિમિત્તે બોરસદના ત્રણ ગામોમાં LED લાઈટથી ઝળહળાટ, શ્રદ્ધાળુઓને મળશે સુવિધા

નવરાત્રી નિમિત્તે બોરસદના ત્રણ ગામોમાં LED લાઈટથી ઝળહળાટ, શ્રદ્ધાળુઓને મળશે સુવિધા

નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને બોરસદ તાલુકાનાં બદલપુર, કણભા અને જંત્રાલ ગામોમાં LED લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. બોરસદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલથી ગામોનાં ધાર્મિક સ્થળો અને આસપાસના વિસ્તારોમાં રોશની ફેલાઈ છે.

ત્રણ ગામનાં ધાર્મિક સ્થળોએ રોશનીની વ્યવસ્થા

નવરાત્રી દરમિયાન માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેમને રાત્રિના સમયે પણ સરળતાથી અવરજવર કરી શકાય અને સુવિધા મળી રહે તે હેતુથી LED લાઈટના પોલ લગાવવામાં આવ્યા છે.

આ અંતર્ગત બદલપુર ગામે ક્ષેમકલ્યાણી માતાજીના મંદિર પાસે, કણભા ગામે મેલડી માતાજીના મંદિર પાસે અને જંત્રાલ ગામે પાંચ મંદિર ભાગોળ ખાતે LED લાઈટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ધાર્મિક સ્થળોની સુંદરતામાં થયો વધારો

LED લાઈટની સુવિધાથી મંદિરોના પરિસર સહિત આસપાસના વિસ્તારો રોશનીથી ઝળહળી ઊઠ્યા છે. રાત્રિના સમયે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અને અવરજવર કરતા ગ્રામજનોને પણ તેનો લાભ મળશે.

આ કામગીરીથી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ ધાર્મિક સ્થળો પર પ્રકાશની વ્યવસ્થા ઊભી કરવાના આ પ્રયાસને આવકાર્યો છે. નવરાત્રીના પાવન પર્વે ગામોનાં ધાર્મિક સ્થળો રોશનીથી ઝળહળી ઊઠતાં ઉત્સવનો માહોલ વધુ સુંદર બન્યો છે.