છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હાલ ખેતીની સિઝન દરમિયાન ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે તાલુકાના મોટા ભાગના પેટ્રોલપંપો પર ડીઝલ ખૂટી જતા ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. તંત્ર તરફથી પૂરતો જથ્થો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેની વિરુદ્ધ જોવા મળી રહી છે.
નસવાડી તાલુકાના 210 જેટલા ગામોમાંથી ખેડૂતો ડીઝલ મેળવવા માટે સવારથી જ પ્લાસ્ટિકના કેન લઈને પેટ્રોલપંપો પર પહોંચી જાય છે. ભારે ગરમી વચ્ચે 4 થી 5 કલાક સુધી ભૂખ્યા-તરસ્યા રાહ જોવી પડે છે, ત્યારબાદ માંડ ડીઝલ મળતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોમાં સૌથી વધુ રોષ એ બાબતને લઈને છે કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે. ખેડૂતોનો સવાલ છે કે જ્યારે ટ્રકોમાં હજારો રૂપિયાનું ડીઝલ ભરવામાં આવે છે, ત્યારે ખેડૂતો માટે આ મર્યાદા કેમ રાખવામાં આવી રહી છે.
તાલુકાના કુલ 5 પેટ્રોલપંપોમાંથી હાલ માત્ર 2 પંપ પર જ ડીઝલ ઉપલબ્ધ છે. આકોના ચોકડી અને હરીપુરા ગામ પાસે આવેલા ભારત પેટ્રોલિયમ (BPCL) ના પંપ પર જ ડીઝલ મળતા ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ કડવા ગામ નજીક આવેલ માતારાણી પેટ્રોલપંપ (HPCL) અને રતનપુરા ગામ પાસે આવેલ સર્વોત્તમ પેટ્રોલિયમ (IOCL) પર છેલ્લા ત્રણ દિવસથી ડીઝલ ખૂટી ગયું છે. જ્યારે આકોના ચોકડી પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના પંપ પર કંપની દ્વારા ઓનલાઈન કોડ બંધ કરી દેવામાં આવતા સપ્લાય અટકી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
પેટ્રોલપંપ સંચાલકોનું કહેવું છે કે ઓઇલ કંપનીઓના કડક અને અસ્પષ્ટ નિયમોના કારણે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. કંપની દ્વારા વધુ વેચાણનું કારણ બતાવી પંપ બંધ કરી દેવામાં આવતા ગ્રાહકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેડૂતો હવે તંત્ર પાસે તાત્કાલિક ડીઝલ સપ્લાય વધારવાની અને મર્યાદા હટાવવાની માંગ કરી રહ્યા છે.