નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિમાલયની આપત્તિને લઈને ભારત અને ચીન સાથે મોટા સહકારની અપીલ કરી છે.
ભોટેકોશી-ત્રિશૂલી પૂરનો ઉલ્લેખ કરતા શાહે ભારત અને ચીનનો મદદ માટે આભાર માન્યો અને કહ્યું કે હિમાલયમાં વધતા જોખમો સામે હવે ત્રણેય દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.
શાહે આ પૂરને માત્ર નેપાળની આપત્તિ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટેની ચેતવણી ગણાવી.
તેમના જણાવ્યા અનુસાર પૂર અને કાટમાળે રસ્તા, પુલ, શાળાઓ, મકાનો અને લોકોના રોજગાર-ધંધાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
આ સાથે બાલેન શાહે નેપાળ, ભારત અને ચીન વચ્ચે સંયુક્ત અર્લી વોર્નિંગ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ વ્યવસ્થામાં ત્રણેય દેશો સેટેલાઇટ માહિતી શેર કરશે, જોખમી હિમનદી સરોવરો પર નજર રાખશે અને પૂર-હિમનદી સંબંધિત આપત્તિની અગાઉથી ચેતવણી આપશે. આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરીમાં પણ સંકલન કરવામાં આવશે.
શાહે કહ્યું કે હિમાલય સરહદથી વહેંચાયેલો પ્રદેશ નહીં, પરંતુ સહકાર અને સંયુક્ત તૈયારીનું ઉદાહરણ બનવો જોઈએ.
આ આપત્તિની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે શાહના જણાવ્યા મુજબ હજારો લોકો હજુ લાપતા છે અને ઘણા લોકો કદાચ ક્યારેય મળી નહીં શકે.
નેપાળને પુનર્નિર્માણ માટે પોતાના GDPના આશરે 10 ટકા જેટલી મદદની જરૂરિયાત હોવાનું પણ જણાવાયું છે.
નેપાળે સંયુક્ત રાષ્ટ્રના લૉસ એન્ડ ડેમેજ ફંડમાંથી 20 મિલિયન ડૉલરની મદદ માંગી છે, જ્યારે નેપાળ સરકારના પ્રાથમિક અંદાજ મુજબ પૂરથી દેશને આશરે 5 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
બાલેન શાહે વિશ્વને અપીલ કરી છે કે જળવાયુ આપત્તિથી પ્રભાવિત ગરીબ દેશોને કર્જ નહીં, પરંતુ પરત ન કરવાની ગ્રાન્ટ દ્વારા મદદ કરવામાં આવે.
અને તેમનો સવાલ પણ ગંભીર છે—
“દુનિયા યુદ્ધ માટે સામાન પહોંચાડવાની વ્યવસ્થા મજબૂત બનાવી શકે છે, તો પછી આપત્તિમાં ફસાયેલા લોકો સુધી ખોરાક અને રાહત પહોંચાડવાની વ્યવસ્થા કેમ નહીં?”