દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આરોપો વચ્ચે મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકારની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અગાઉ થયેલી ભૂલોમાંથી હજુ સુધી કોઈ પાઠ લેવામાં આવ્યો નથી.
આ વર્ષે દેશભરમાંથી અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા વકીલ તન્વી દુબેએ કોર્ટ સમક્ષ મામલાની ગંભીરતા રજૂ કરીને તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. અરજીઓ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, “આ ખરેખર ખૂબ દુઃખદ સ્થિતિ છે. તેઓ પોતાની ભૂલોમાંથી કોઈ શીખ લેતા નથી. અગાઉ આખી પરીક્ષા વ્યવસ્થાને સુધારવા માટે હાઈ-પાવર્ડ કમિટી બનાવવામાં આવી હતી, છતાં હાલની સ્થિતિ યથાવત કેમ છે?”
સુપ્રીમ કોર્ટે NTA અને મોનિટરિંગ કમિટીને માત્ર ત્રણ દિવસની અંદર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ખાસ કરીને 14 નવેમ્બરે રચાયેલી મોનિટરિંગ કમિટીએ અત્યાર સુધી શું કામગીરી કરી તેની વિગતવાર માહિતી માંગવામાં આવી છે. ઉપરાંત પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે હાઈ-પાવર્ડ કમિટીએ આપેલી ભલામણોનો અમલ કેટલો થયો તેની પણ સંપૂર્ણ વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાને પણ નોટિસ પાઠવી છે. હવે ત્રણ દિવસ બાદ એફિડેવિટ રજૂ થયા પછી મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. કોર્ટે હવે એ તપાસશે કે અગાઉના NEET કૌભાંડો બાદ સરકારે જે મોટા સુધારાના વાયદા કર્યા હતા, તે માત્ર કાગળો સુધી સીમિત રહ્યા છે કે વાસ્તવમાં તેનો અમલ થયો છે.