નડિયાદના ફૈઝાન પાર્કમાં જુગારધામ પર દરોડો, 19 પકડાયા, 6 ફરાર
નડિયાદ : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નડિયાદમાં મોટી કાર્યવાહી કરતા શહેરના ફૈઝાન પાર્ક પાછળના ખુલ્લા ખેતરમાં ધમધમતા મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા કુલ ૧૯ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ૬ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ, વાહનો અને મોબાઈલ મળી કુલ ૫.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ ખેડા-નડિયાદ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાં રહેતો યાસીન ઉર્ફે ખલી ઉસ્માનગની વ્હોરા અને તેનો સાગરિત મહંમદ ઇકબાલ ઉર્ફે રોમી બંને મળીને ફૈઝાન પાર્ક સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં જુગારધામ ચલાવી રહ્યા હતા. આ શખ્સોેએ ખેતરમાં લોખંડના સ્થંભ ઉભા કરી મીણીયા અને પ્લાસ્ટિકના તંબુ બાંધીને એક કામચલાઉ શેડ તૈયાર કર્યા હતો, જ્યાં બહારથી માણસો બોલાવીને અંદર-બહારનો હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. બાતમીની ખરાઈ કર્યા બાદ એસએમટીની ટીમે પંચોને સાથે રાખીને ખેતરમાં દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કોર્ડન કરીને ૧૯ જેટલા ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સંચાલક યાસીન ઉર્ફે ખલી, લીલી, ગેટીંગ અને અન્ય વાહન ચાલકો સહિત કુલ ૬ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. પોલીસે સ્થળ પરથી અંગજડતીના રોકડા રૂપિયા ૧,૦૦,૫૨૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૨૩,૦૦૦ મળી કુલ રોકડ રકમ કબજે કરી હતી.