નડિયાદના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ 17 મેડલ જીત્યા
વડોદરાની સદગુરુ સ્કૂલ ખાતે 28 ડિસેમ્બર, 2025ના રોજ 'ગુજરાત રાજ્ય પેનચેક સિલાટ ચેમ્પિયનશિપ 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી આશરે 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. નડિયાદની ડિફેન્સ માર્શલ આર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 17 મેડલ જીત્યા હતા.
એકેડેમીના ખેલાડીઓએ 7 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્ય કક્ષાએ દબદબો બનાવ્યો હતો. આ સિદ્ધિએ રમતગમત જગતમાં એકેડેમીનું નામ રોશન કર્યું છે. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં દિયા પ્રજાપતિ, કાવ્યા પટેલ, વેદાંશી ચોક્સી, અર્ચા ચોકસી, ચાર્મી પટેલ, કવિતા આહિર અને ઋષભ પ્રજાપતિનો સમાવેશ થાય છે.
જ્યારે ઝીલ ચોક્સી, કેયા પટેલ, નીરજા પટેલ, અદિતિ, નુપુર ઠક્કર અને સત્સંગ ચોક્સીએ સિલ્વર મેડલ જીતીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, નવ્યા શેલત, પ્રથા પટેલ, વંશ સથવારા અને કર્તવ્ય પંચાલએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા આ તમામ ખેલાડીઓની હવે નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.