Advertisement

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોસ્ટેલમાં અધિકારી દારૂ પીને આવ્યા હોવાના ગંભીર આક્ષેપ

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોસ્ટેલમાં અધિકારી દારૂ પીને આવ્યા હોવાના ગંભીર આક્ષેપ

નડિયાદ: નડિયાદ સ્થિત ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બોય્ઝ હોસ્ટેલમાં ગત તા. ૨૧ જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રમતગમત ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે. હોસ્ટેલમાં રહેતા એક એથ્લેટિક્સ ખેલાડીએ જિલ્લા રમત વિકાસ અધિકારી પર દારૂ પીને રૂમમાં આવી માર મારવા તેમજ માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. જોકે, જિલ્લા રમત વિકાસ અધિકારીએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને પોતાનો બચાવ રજૂ કર્યો છે.


નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હોસ્ટેલમાં રહી ૪૦૦ મીટર દોડની તાલીમ લેતા ખેલાડી આશિષ ચાવડાએ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં હોસ્ટેલની રૂમમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી જેવું વાતાવરણ જોવા મળે છે. ખેલાડીએ વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, જિલ્લા રમત વિકાસ અધિકારી ડા. મનસુખ તાવેટીયા દારૂ પીધેલી હાલતમાં તેમના રૂમમાં આવ્યા હતા, તેમને માર માર્યો હતો તેમજ લાંબા સમયથી માનસિક ત્રાસ આપતા હોવાનો દાવો કર્યો છે. સાથે જ ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.


ચેકિંગ દરમિયાન કોચ પણ હાજર હતા


વાયરલ થયેલા વીડિયોમાં તેમજ અધિકારીના જણાવ્યા મુજબ, જ્યારે રાત્રે હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે જિલ્લા રમત વિકાસ અધિકારી એકલા ન હતા. તેમની સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઈન્ચાર્જ સંચાલક તેમજ એથ્લેટિક્સ કોચ શિવમ ઉપાધ્યાય અને અન્ય એથ્લેટિક્સ કોચ ધર્મેન્દ્ર પરમાર પણ હાજર હતા. વીડિયોમાં આ બંને કોચ સ્પષ્ટ રીતે નજરે પડે છે. અધિકારીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, તેઓ અન્ય જવાબદાર કોચની હાજરીમાં જ વિદ્યાર્થીના રૂમમાં ગયા હતા.


ખેલાડીએ પોલીસમાં અરજી આપી


આ ઘટનાને પગલે ભોગ બનનાર ખેલાડી આશિષ ચાવડાએ નડિયાદ પોલીસ મથકે જઈને લેખિતમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે વિદ્યાર્થીએ મોબાઈલથી શૂટિંગ શરૂ કરતા અધિકારી અને વિદ્યાર્થી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે.


અધિકારીનો ખુલાસો: દારૂ પીધાનો આક્ષેપ ખોટો


આ ગંભીર આક્ષેપો અંગે જિલ્લા રમત વિકાસ અધિકારી ડા. મનસુખ તાવેટીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં શિસ્ત જળવાઈ રહે તે હેતુથી તેઓ રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયા હતા. હોસ્ટેલમાં રૂમમાં જમવાની ડિશો લઈ જવી, સફાઈ ન રાખવી કે અનધિકૃત સામાન રાખવા જેવી ફરિયાદો વારંવાર મળતી હોવાના કારણે તેઓ ફરજના ભાગરૂપે તપાસ માટે ગયા હોવાનું જણાવ્યું હતું.

દારૂ પીધેલી હાલતમાં ગયા હોવાના આક્ષેપને તેમણે ધરાર નકારી કાઢતા કહ્યું હતું કે, તેઓ ઊંઘમાંથી સીધા ઉઠીને ચેકિંગ માટે ગયા હોવાથી ગેરસમજ થઈ હોઈ શકે, પરંતુ નશાની હાલતની વાત સંપૂર્ણપણે ખોટી છે. અધિકારીના જણાવ્યા મુજબ, બીજા દિવસે ખેલાડી સાથે બેઠક કરી મામલાનો સુખદ સમાધાન પણ કરી લેવામાં આવ્યું છે તેમજ પોલીસ સ્ટેશનમાં પોતાનો ખુલાસો પણ આપી દેવામાં આવ્યો છે.


ખેલાડી જૂનાગઢ પંથકનો વતની


અધિકારી સામે આક્ષેપ કરનાર ખેલાડી આશિષ ચાવડા મૂળ જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તે એથ્લેટિક્સની ૪૦૦ મીટર દોડ સ્પર્ધામાં પોતાની કારકિર્દી બનાવવા માટે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લઈ રહ્યો છે.

Advertisement