નડિયાદ-ખેડા હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકની ટક્કરે ટ્રેલર હોટલમાં ઘૂસ્યું, એક ગંભીર ઇજાગ્રસ્ત

નડિયાદ-ખેડા હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકની ટક્કરે ટ્રેલર હોટલમાં ઘૂસ્યું, એક ગંભીર ઇજાગ્રસ્ત

નડિયાદ-ખેડા હાઇવે નંબર 48 પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકે પાછળથી ટક્કર મારતા હેવી વાયર ભરેલું ટ્રેલર બેકાબૂ બની રોડ સાઈડની હોટલમાં ઘૂસી ગયું હતું. આ ઘટનામાં હોટલ અને વાહનને ભારે નુકસાન થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલરનો ચાલક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો અને ભારે વજનને કારણે ટ્રેલર સીધું જ હોટલની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે ચાલક ઘટના બાદ કેબિનમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ હાઇવે પર સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હેવી વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે આવા અકસ્માતો વધી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.