અમેરિકા લઈ ગયા… પાસપોર્ટથી લઈને ગ્રીનકાર્ડ સુધીના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા… અને જ્યારે નોકરી ન મળી તો કથિત રીતે ‘અમેરિકા રહેવા લાયક નથી’ કહીને ભારત મૂકીને જતા રહ્યા! આણંદ નજીકના નાવલી ગામની પરિણીતાએ સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નાવલીની કૈવલરૂચિ સોસાયટીમાં રહેતી હનીબેનના લગ્ન માર્ચ 2023માં મૂળ વાસદના ધરતીપાર્કમાં રહેતા રોનીત નૈમેશ પટેલ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ આણંદ ખાતે થયા હતા. લગ્ન બાદ હનીબેનના પતિ રોનીત, સસરા નૈમેશ, સાસુ અલ્પા તથા જેઠ-જેઠાણી સહિતના સાસરીયાઓ અમેરિકા રહેતા હોવાથી લગ્નના આશરે એક મહિના બાદ પરત અમેરિકા જતા રહ્યા હતા. આ દરમિયાન હનીબેનના અસલ દસ્તાવેજો પણ તેમની સાથે લઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ત્યારબાદ પતિ સાથે હનીબેનની નિયમિત વાતચીત થતી હતી. જાન્યુઆરી 2025માં સસરા નૈમેશકુમાર અમેરિકા આવ્યા હતા અને ત્યારબાદ 10 માર્ચ 2025ના રોજ હનીબેનને પણ અમેરિકા લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકા પહોંચ્યા બાદ સાસુ-સસરાએ હનીબેનનો પાસપોર્ટ પોતાની પાસે રાખી લીધો અને ઈમિગ્રેશન માટે રાખ્યો હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે હનીબેને પાસપોર્ટ માંગતા પતિએ માતા પાસે હોવાનું જણાવ્યું અને અન્ય દસ્તાવેજો પણ લઈને લોકરમાં સાચવી રાખવા કહ્યું. ફરિયાદ મુજબ, હનીબેને વિશ્વાસ કરીને તમામ દસ્તાવેજો આપી દીધા. બાદમાં તેનું ગ્રીનકાર્ડ, સોશિયલ સિક્યોરિટી અને આઈડેન્ટિટી કાર્ડ આવ્યું, જે પણ પતિએ પોતાની પાસે રાખી લીધું હોવાનો આક્ષેપ છે.
હનીબેન આઈટીનો અભ્યાસ કરેલો હોવા છતાં અમેરિકા ગયા બાદ આશરે દોઢ વર્ષ સુધી નોકરી ન મળતાં, ફરિયાદ મુજબ સાસરીયાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ સાસરીયાઓએ છૂટાછેડાની માંગણી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
અને પછી આવ્યો 10 સપ્ટેમ્બરનો દિવસ… છૂટાછેડા અંગે વતનમાં વાતચીત કરવા હનીબેનને ભારત લાવવામાં આવી. ફરિયાદ મુજબ, અહીં તેની પાસે ગ્રીનકાર્ડ કેન્સલ કરવાના કાગળો પર સહી કરાવવામાં આવી. ત્યારબાદ સુણાવ ખાતેના એક સંબંધીના ઘરે લઈ જઈને તેના માતા-પિતાને સાસરીયાઓએ કથિત રીતે જણાવ્યું કે હનીબેન અમેરિકા રહેવા લાયક નથી અને તેમને છૂટાછેડા જોઈએ છે.
આ પછી સાસરીયાઓ અમેરિકા પરત જતા રહ્યા, જ્યારે હનીબેન નાવલી પરત આવી. સમગ્ર મામલે પરિણીતાએ પોતાના પતિ સહિત તમામ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
અમેરિકાનું સપનું લઈને ગયેલી યુવતી… દોઢ વર્ષ પછી નોકરીના બદલે છૂટાછેડાની વાત અને કથિત રીતે ગ્રીનકાર્ડ રદ કરાવવાના કાગળો સાથે ભારત પરત આવી! હવે આ ફરિયાદ બાદ સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌની નજર છે.