સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના મટિરિયલ્સ સાયન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તથા સંશોધક માટે “Advanced Characterization Techniques for Different Materials” વિષય પર એક વિશિષ્ટ સ્કિલ બેઝ એડ-ઓન સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોર્સ નું આયોજન જાન્યુઆરી મહિના દરમિયાન કરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણપણે ઓફલાઇન મોડમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કોર્સની કુલ અવધિ ૩૦ કલાક ની રાખવામાં આવી હતી, જેમાં દર અઠવાડિયે શુક્રવાર અને શનિવાર બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી ચાર અઠવાડિયા સુધી સત્રો યોજવામાં આવ્યા હતા.
આ કોર્સમાં કુલ ભાગ લેનારા ૪૨ પીએચ.ડી. તેમજ એમ.એસસી. વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મટિરિયલ્સ સાયન્સ તથા બાયોસાયન્સ જેવા વિવિધ શૈક્ષણિક પ્રવાહોમાંથી ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સરદાર પટેલ યુનિવર્સિટી ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી વિવિધ યુનિવર્સિટીઓમાંથી પણ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
આ કોર્સનું આયોજન માનનીય કુલપતિ પ્રોફ. ડૉ. નિરંજનભાઈ પટેલ તથા રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કોર્સને મહત્તમ ભાગીદારી તેમજ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ કોર્સ દરમિયાન વિભાગાધ્યક્ષ ડૉ. જીગ્નેશ વાળંદ તથા મટિરિયલ્સ સાયન્સ વિભાગના અન્ય ફેકલ્ટી સભ્યો અને બાહ્ય તજજ્ઞોએ સમગ્ર કોર્સ દરમિયાન ઉત્કૃષ્ટ આયોજન, માર્ગદર્શન અને કાર્યક્ષમતાથી વિશેષ યોગદાન આપ્યું હતું, જેના કારણે કોર્સની શૈક્ષણિક ગુણવત્તા તથા પ્રાયોગિક અસરકારકતા વધેલી જોવા મળી હતી.
આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સંશોધકોને આધુનિક Material Characterization પદ્ધતિઓ અંગે વ્યાવહારિક તેમજ સિદ્ધાંતાત્મક જ્ઞાન પ્રદાન કરવાનો રહ્યો હતો. કોર્સ દરમિયાન SEM, FT-IR, UV-Vis, BET, UTM, DSC, Raman તથા Particle Size Analyzer (PSA) જેવા અદ્યતન સાધનો પર ડાયરેક્ટ હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવી હતી અને તેના દ્વારા ક્રિસ્ટેલોગ્રાફી, માઇક્રોસ્કોપી, થર્મલ એનાલિસિસ અને સ્પેક્ટ્રોસ્કોપિક ટેક્નિક્સના મૂળભૂત તેમજ ઉપયોગી સિદ્ધાંતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંશોધન માટે ઉપયોગી CasaXPS તથા Density Functional Theory (DFT) સોફ્ટવેર અંગે પણ પરિચય અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
આ કોર્સ માં ભાગ લેનાર વિધાર્થીઓ ના પ્રતિભાવ મુજબ, આ કોર્સ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સંશોધન તથા ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી પ્રાયોગિક કુશળતાઓ વિકસાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્રવૃત્તિ દ્વારા મટિરિયલ્સ સાયન્સ વિભાગે વિદ્યાર્થીઓના જ્ઞાન તથા કૌશલ્યમાં વધારો કરવાનો ઉદ્દેશ સફળતાપૂર્વક પાર પાડયો હતો.