સુરત: સુરત મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી પહેલા ભાજપના અજેય ગઢ ગણાતા રાંદેર ઝોનમાં પક્ષ માટે અત્યંત કફોડી સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર ૧૧ના ગોરાટ વિસ્તારમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓને સ્થાનિકોના પ્રચંડ રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે નેતાઓને બચાવવા માટે બે-બે પોલીસ સ્ટેશનનો કાફલો બોલાવવાની નોબત આવી હતી.
ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થયો હોવાથી સ્થાનિકોમાં લાંબા સમયથી ઉકળતો ચરુ હતો. ભાજપના ઉમેદવાર મંદિરે દર્શન કરવા આવવાના હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં મહિલાઓ કાળા કપડાં પહેરી વિરોધમાં ઉતરી આવી હતી. મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે, "મંદિરે દર્શન કરવા ભલે આવો, પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવતા નહીં."
ઉમેદવારની સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને કેયુર ચપટવાલા જેવા મોટા નેતાઓ પણ હાજર હતા. જોકે, જનતાએ કોઈની પણ શરમ રાખ્યા વગર 'ગો બેક' અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, "જ્યારે મુશ્કેલી હોય ત્યારે કોઈ દેખાતું નથી અને હવે મતો માંગવા નીકળી પડ્યા છો."
વિરોધ દરમિયાન ઉમેદવારના કેટલાક સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા મામલો વધુ બિચક્યો હતો. સ્થાનિક યુવાનો અને મહિલાઓનો આક્રોશ એટલો વધ્યો કે તેઓએ નેતાઓ અને ટેકેદારોને ધક્કા મારી વિસ્તારની બહાર કાઢ્યા હતા. ચર્ચા મુજબ, દાદાગીરી કરનારા કેટલાક સમર્થકો પર રોષે ભરાયેલી મહિલાઓએ હાથ સાફ કરી 'ટપલીદાવ' પણ કર્યો હતો.
સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ નેતાઓએ પોલીસની મદદ માંગવી પડી હતી. પોલીસની હાજરીમાં પણ લોકોનો રોષ શાંત પડ્યો નહોતો, જેથી અંતે બીજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો. જનતાના આ પ્રચંડ વિરોધને પગલે ભાજપના નેતાઓએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.
હાલ આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.