મહીસાગરમાં ‘નલ સે જલ’ કૌભાંડમાં વધુ એક ધરપકડ!
મહીસાગર જિલ્લામાં સામે આવેલા ₹123.23 કરોડના ‘નલ સે જલ’ યોજના કૌભાંડમાં CID ક્રાઈમે વધુ એક મોટી કાર્યવાહી કરી છે.
આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર પ્રિતેશ પટેલની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના 620 ગામોમાં ચાલી રહેલી ‘નલ સે જલ’ યોજનામાં કરોડો રૂપિયાની ગેરરીતિ અને સરકારી નાણાંની ઉચાપતના આક્ષેપો સામે આવ્યા છે.
કેસની તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરો, સરપંચો અને કેટલાક અધિકારીઓ સહિત અગાઉ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પ્રિતેશ પટેલની ધરપકડ બાદ આ કેસમાં ધરપકડનો કુલ આંકડો હવે 54 પર પહોંચ્યો છે.
તપાસમાં કામમાં ગેરરીતિ અને સરકારી નાણાંની ઉચાપત અંગે મહત્વની વિગતો સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં કેટલાક આરોપીઓની આગોતરા જામીન અરજીઓ પણ કોર્ટે ફગાવી છે.
કૌભાંડ સામે આવ્યા બાદ સંબંધિત કેટલાક કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના વહીવટી પગલાં પણ લેવામાં આવ્યા છે.
હાલ CID ક્રાઈમની તપાસ યથાવત છે અને આગામી દિવસોમાં કૌભાંડમાં વધુ નામો સામે આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.