1️⃣ ICCની મોટી કાર્યવાહી
મેચ ફિક્સિંગ મામલે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી કાર્યવાહી કરતા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યો છે. આ મામલો 2023-24માં બાર્બાડોસમાં રમાયેલી Bim10 લીગ સાથે જોડાયેલો છે, જેમાં મેચના પરિણામ અથવા રમતની પરિસ્થિતિને પ્રભાવિત કરવાનો કાવતરું રચવામાં આવ્યું હોવાનો આરોપ છે.
2️⃣ અન્ય બે લોકો પણ તપાસ હેઠળ
આ કેસમાં ફક્ત જેવોન સેર્લ્સ જ નહીં, પરંતુ ટાઈટન્સ ટીમના માલિક ચિત્તરંજન રાઠોડ અને ટીમ અધિકારી ટ્રેવોન ગ્રિફિથને પણ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ICC અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ત્રણેય સામે એન્ટી કરપ્શન કોડ હેઠળ કાર્યવાહી કરી છે. આરોપોમાં મેચ ફિક્સિંગનું કાવતરું, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ઉશ્કેરવા અને તપાસમાં સહયોગ ન કરવાનું સામેલ છે.
3️⃣ IPL સાથે જોડાણ
જેવોન સેર્લ્સ અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો. IPL 2018માં તેણે ચાર મેચ રમી હતી અને બે વિકેટ લીધી હતી. જોકે તે વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, પરંતુ અંડર-19 લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
4️⃣ જવાબ આપવા માટે 14 દિવસનો સમય
ICC દ્વારા ત્રણેય આરોપીઓને આરોપોનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન એન્ટી કરપ્શન યુનિટ દ્વારા તપાસ ચાલુ રહેશે. આ કેસ પહેલાથી ચાલી રહેલી મોટી તપાસનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં અગાઉ અમેરિકન ખેલાડી એરોન જોન્સ પર પણ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના આરોપો લગાવવામાં આવ્યા હતા.