મંજૂર નકશો એક જગ્યાનો… અને 765 KVનો વીજ ટાવર બીજી જમીનમાં!

મંજૂર નકશો એક જગ્યાનો… અને 765 KVનો વીજ ટાવર બીજી જમીનમાં!

મંજૂર નકશો એક જગ્યાનો… અને 765 KVનો વીજ ટાવર બીજી જમીનમાં!

તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવે પર પાવરગ્રીડ સામે ખેડૂતે ગંભીર આક્ષેપો કરતા મામલો હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.


તારાપુરના સર્વે નંબર 2663ની કિંમતી ખેતીની જમીનમાં પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા મંજૂર નકશાનું ઉલ્લંઘન કરીને 765 KVનો હેવી વીજ ટાવર ઊભો કરાયો હોવાનો ખેડૂતનો આક્ષેપ છે.


તારાપુરના રહેવાસી ઉજ્જવલકુમાર બ્રહ્મભટ્ટે આ મામલે આણંદ જિલ્લા કલેક્ટર અને તારાપુર મામલતદારને અરજી કરી ન્યાયની માગ કરી છે.


ખેડૂતના જણાવ્યા મુજબ, તેમની જમીન તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવેને અડીને આવેલી હોવાથી તેનું વ્યાવસાયિક મૂલ્ય પણ ઊંચું છે. કંપનીના અધિકારીઓએ શરૂઆતમાં કોઈ સત્તાવાર નકશો કે રૂટ બતાવ્યા વિના પાક નુકસાનીનો સર્વે કર્યો અને ત્યારબાદ જમીનમાં ખોદકામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે.


આટલું જ નહીં, ખેડૂતની મંજૂરી વિના જમીનમાં 765 KV ટાવરનું ફાઉન્ડેશન તૈયાર કરી દેવામાં આવ્યું અને બાદમાં ટાવર પણ ઊભો કરી દેવામાં આવ્યો હોવાનો દાવો છે.


મામલો ત્યારે ગરમાયો જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ કંપનીના કર્મચારીઓ નકશા સાથે જમીનનું વેરિફિકેશન કરવા પહોંચ્યા.


ખેડૂતનો દાવો છે કે કંપનીના સત્તાવાર નકશા મુજબ 69/2 CDA+3 વીજ પોલ સર્વે નંબર 2665માં સ્થાપિત કરવાનો હતો, પરંતુ વાસ્તવમાં તે સર્વે નંબર 2663માં ઊભો કરી દેવાયો છે.


ખેડૂતનો આક્ષેપ છે કે નકશાથી અલગ જગ્યાએ ટાવર ઊભો થવાથી તેમની હાઈવે ટચ જમીનની કિંમત અને ઉપયોગિતા પર મોટું નુકસાન થયું છે.


બીજી તરફ, પાવરગ્રીડના એન્જિનિયર મ્રીનાલ શર્માએ ખેડૂતના આક્ષેપોને લઈને કંપનીનો પક્ષ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કંપનીએ નિયમાનુસાર રૂટ લાઈન અને મૂળભૂત કોર્ડિનેટ મુજબ જ કામગીરી કરી છે અને ટાવરના કોર્ડિનેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


તેમણે વધુમાં જણાવ્યું કે કામગીરી શરૂ કરતા પહેલાં ખેડૂતને જાણ કરવામાં આવી હતી અને ફાઉન્ડેશન તથા ઈરેક્શનનું પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું છે.


હવે આ સમગ્ર મામલે પાવરગ્રીડનો લીગલ વિભાગ તપાસ કરીને અરજી કરનારના વકીલને સત્તાવાર જવાબ આપશે.


એક તરફ ખેડૂતનો નકશો બદલ્યાનો ગંભીર આક્ષેપ… તો બીજી તરફ કંપનીનું કહેવું છે કે કામગીરી નિયમ મુજબ જ થઈ છે.

હવે ખરેખર ટાવર મંજૂર નકશા મુજબ ઊભો થયો છે કે પછી સર્વે નંબર અંગે ગેરરીતિ થઈ છે, તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.