“કઠલાલ વિદ્યાના ધામમાં શિક્ષકની શંકાસ્પદ હાલત! DEOની સરપ્રાઈઝ મુલાકાતે મચાવ્યો ખળભળાટ!”
કઠલાલ તાલુકાની પીઠાઈ વિદ્યામંદિરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન શિક્ષકની શંકાસ્પદ હાલત સામે આવતા ખળભળાટ મચ્યો છે.
DEO કલ્પેશ રાવલ શાળાની શૈક્ષણિક કામગીરીની તપાસ માટે પહોંચ્યા હતા. દરમિયાન ધોરણ 10ના વર્ગશિક્ષક અને ગણિતના શિક્ષક કમલેશ પટેલની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી. તેમના ચહેરા પર અસામાન્ય સોજો અને આંખો લાલચોળ દેખાતા તેઓ નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં શાળા ટ્રસ્ટના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે શિક્ષકને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલ્યા છે.
હવે શિક્ષકના બ્લડ સેમ્પલ અને મેડિકલ રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી સાથે સસ્પેન્શન અને ખાતાકીય તપાસ જેવા કડક પગલાં લેવાઈ શકે છે.