કોર્પોરેટરની રજૂઆત પણ ન સાંભળાઈ? આણંદ મનપાની ‘ઓનલાઈન ફરિયાદ નિવારણ’ સેવાની વાસ્તવિકતા પર સવાલ

કોર્પોરેટરની રજૂઆત પણ ન સાંભળાઈ? આણંદ મનપાની ‘ઓનલાઈન ફરિયાદ નિવારણ’ સેવાની વાસ્તવિકતા પર સવાલ

આણંદ મહાનગરપાલિકા પારદર્શક વહીવટ અને ઝડપી ફરિયાદ નિવારણના દાવા કરે છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોની સ્થિતિ આ દાવાઓ સામે સવાલો ઊભા કરી રહી છે. ખાસ વાત એ છે કે મનપાના શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા કરાયેલી રજૂઆતો બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે.

આણંદના શાસ્ત્રી મેદાનની આસપાસની સ્ટ્રીટ લાઈટો છેલ્લા બે મહિનાથી બંધ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અહીં દરરોજ સાંજના સમયે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન સહિત નાગરિકો ઈવનિંગ વોક માટે આવે છે. લાઈટો બંધ હોવાથી અંધારામાં ચાલવું જોખમી બની રહ્યું છે.

આ મુદ્દે સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા મનપાના દિવાબત્તી વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે.

આ જ પ્રકારની સ્થિતિ અમીના મંઝિલ નજીક નવનિર્મિત અને ખુલ્લા મુકાયેલા ગરનાળા પાસે પણ જોવા મળી રહી છે. અહીં લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી લાઈટો બંધ રહેતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ, મનપામાં સમાવિષ્ટ મોગરી ગામના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઈટના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એમજીવીસીએલનું વીજ જોડાણ ન મળતા રોડ પર અંધારું યથાવત છે.

અહીં સવાલ માત્ર લાઈટ બંધ હોવાનો નથી, પરંતુ એક જ શહેરમાં મનપા, વીજ કંપની અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલન કેટલું છે? તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

મનપા જ્યારે નાગરિકોની ફરિયાદો ઓનલાઈન સ્વીકારી તેના ઝડપી નિવારણના દાવા કરે છે, ત્યારે સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ પણ સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહેતી હોવાના આક્ષેપો વચ્ચે હવે લોકોનો સવાલ છે—જો ચૂંટાયેલા પ્રતિનિધિની રજૂઆતનું જ નિરાકરણ ન આવે, તો સામાન્ય નાગરિકની ફરિયાદનું શું?

હવે જોવાનું એ રહેશે કે મનપા તંત્ર આ સમસ્યાઓનું ક્યારે નિરાકરણ લાવે છે અને શહેરના અંધારામાં રહેલા આ વિસ્તારોમાં ફરી ક્યારે પ્રકાશ ફેલાય છે.