Advertisement

ખેડામાં ₹૩૦૦ કરોડના આઇકોનિક રોડની કામગીરી બિસ્માર થતાં હોબાળો, વિવાદ બાદ કોન્ટ્રાક્ટરે ડામરનું કામ શરૂ કર્યું

ખેડામાં ₹૩૦૦ કરોડના આઇકોનિક રોડની કામગીરી બિસ્માર થતાં હોબાળો, વિવાદ બાદ કોન્ટ્રાક્ટરે ડામરનું કામ શરૂ કર્યું

ખેડા: ખેડા જિલ્લામાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ એવા મહેમદાવાદ-મહુધા-ડાકોર આઇકોનિક રોડના કથળેલા બાંધકામ અંગે ભારે હોબાળો મચ્યા બાદ આખરે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ પ્રતિષ્ઠિત રોડની કામગીરી માત્ર ૬ મહિનામાં જ બિસ્માર થઈ ગઈ હતી. મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ભાજપના સ્થાનિક ધારાસભ્યની ઉચ્ચ સ્તરીય રજૂઆત બાદ સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.


તપાસના આદેશ છૂટતા જ ખેડા જિલ્લા સ્ટેટ રોડ વિભાગ સફાળું જાગ્યું હતું અને તેની કડક સૂચના બાદ કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી 'એમ. એસ. ખુરાના' દ્વારા રસ્તા પર ડામર પેવરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં મહેમદાવાદથી મહુધા તરફ જતા તૂટેલા માર્ગો પર નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.


બીજી તરફ, રોડની વચ્ચે વાહનોની સલામતી માટે લગાવવામાં આવેલા પ્લાસ્ટિકના રિફલેક્ટરો ટૂંકા સમયમાં ગાયબ થઈ જવા અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે માત્ર પેવિંગનું કામ જ નહીં, પરંતુ રોડ પર સારી ગુણવત્તાવાળા નવા રિફલેક્ટર પણ લગાવવામાં આવે જેથી રાત્રિના સમયે થતા અકસ્માતો નિવારી શકાય.

Advertisement