Advertisement

ખેડા LCBની મોટી સફળતા: ૧૭ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી બિહારથી ઝડપાયો

ખેડા LCBની મોટી સફળતા: ૧૭ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી બિહારથી ઝડપાયો

 ખેડા જિલ્લામાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરિક્ષકના માર્ગદર્શન અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલની સૂચના હેઠળ, એલ.સી.બી. ખેડા-નડીયાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર. વેકરીયાની આગેવાનીમાં એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમની તપાસ દરમિયાન વર્ષ ૨૦૦૯ માં ઠાસરા પોલીસ સ્ટેશન ખાતે આઈ.પી.સી. કલમ 409 હેઠળ નોંધાયેલા ગુના રજીસ્ટર નં. ૧૮૮/૨૦૦૯ માં સંડોવાયેલ આરોપી રૂપેશકુમાર બીનોદચંદ્ર ઝા (રહે. નાહસ રૂપૌલી, તા. બીસ્ફી, જી. મધુબની, રાજ્ય બિહાર) છેલ્લા ૧૭ વર્ષથી પોલીસ પકડથી દૂર રહી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી સતત પોતાનું સ્થાન, ઓળખ અને હિલચાલ બદલતો હોવાથી તેને શોધી કાઢવો પડકારજનક હતો.


એલ.સી.બી.ના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આરોપીના જૂના સરનામા, સગા-સંબંધીઓ અને મિત્રોના સંપર્કોની માહિતી મેળવીને ઝીણવટભર્યું પુનઃવિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી હેડ-કોન્સ્ટેબલ શૈલેષકુમાર નારણભાઈને મહત્વપૂર્ણ બાતમી મળી હતી કે આરોપી બિહાર રાજ્યના મધુબની વિસ્તારમાં રહે છે. આ માહિતીના આધારે ટીમ દ્વારા ચોક્કસ આયોજન કરી બિહાર ખાતે રવાના થઈ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હેડ-કોન્સ્ટેબલ શૈલેષકુમાર નારણભાઈ તથા અ.પો.કો. નીલેશભારથી શંભુભારથીએ આરોપીના સંભવિત ઠેકાણાઓ શોધી કાઢવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. બિહાર પહોંચીને ટીમે સ્થાનિક સ્તરે સતત વોચ રાખીને સફળતાપૂર્વક આરોપીને ઝડપી પાડ્યો હતો.


આ સફળ કામગીરીમાં પી.આઈ. શ્રી કે.આર. વેકરીયા, અ.હેડ.કો. શૈલેષકુમાર નારણભાઇ, અ.પો.કો. નીલેશભારથી શંભુભારથી, હેડ.કો. પંકજકુમાર સોમાભાઇ, હે.કો. પ્રદિપસિંહ દેવેન્દ્રસિંહ  તેમજ ઠાસરા પોલીસ સ્ટેશનના અ.હેડ.કો. દિનેશભાઇ ભાનુભાઇ  અને અ.પો.કો. કિરીટકુમાર ખુમાનસિંહ  જોડાયા હતા. પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત લાવી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી સામે કડક વલણ અપનાવી આવા ફરાર આરોપીઓને શોધી કાઢવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

Advertisement