Advertisement

ખેડા જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, ભૂમાપુરા ભીડભંજન હનુમાનજી મંદિરે હજારો ભક્તોની ઉમટી ભીડ

ખેડા જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, ભૂમાપુરા ભીડભંજન હનુમાનજી મંદિરે હજારો ભક્તોની ઉમટી ભીડ

નડિયાદ : ખેડા જિલ્લામાં હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામે આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર સહિત જિલ્લાના નાના-મોટા તમામ હનુમાન મંદિરોમાં ભક્તોનું ભારે ઉમટાણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિકોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સમગ્ર જિલ્લામાં મારૂતિ નંદનના જન્મોત્સવને લઈ ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.


અમદાવાદ નજીક આવેલા પૌરાણિક ભૂમાપુરા ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવની શરૂઆત હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવ્ય યજ્ઞ સાથે કરવામાં આવી હતી. યજ્ઞ પૂર્ણ થયા બાદ રાત્રિના ભક્તિમય વાતાવરણમાં ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલા આ અખંડ પાઠમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને વહેલી સવારે ૫ વાગ્યા સુધી ચાલેલા પાઠથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.


હનુમાન જયંતિના દિવસે વહેલી સવારે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભીડભંજન હનુમાનજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ખાતે તમામ ભક્તો માટે મહાપ્રસાદ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


ભૂમાપુરા ઉપરાંત ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત જિલ્લાના વિવિધ શહેરો અને ગામડાઓમાં આવેલા હનુમાન અને રામ મંદિરોમાં પણ હનુમાન જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી. નડિયાદ શહેરના પ્રાચીન હનુમાન મંદિરોમાં સવારથી જ બજરંગબલીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી હતી.


જિલ્લાભરના મંદિરોમાં કષ્ટભંજન દેવનો વિશેષ શણગાર, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને મહાપ્રસાદના આયોજન કરવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ હનુમાનજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને ભક્તો જોડાઈ ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતિના પર્વે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Advertisement