ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 3 અને સભ્યના 57 ફોર્મ અમાન્ય
નડિયાદ, આણંદ : ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી દરમિયાન સરપંચ માટે ૩ અને સભ્યના ૫૭ ફોર્મ અમાન્ય થયા છે. જયારે સરપંચ માટે ૪૭૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ઠાસરા અને ખેડા જિલ્લામાં એક-એક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. જયારે આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે ૬૪૭ અને સભ્યપદ માટે ૨૨૮૧ ફોર્મ ચકાસણીની મોડી રાત્રી સુધી કામગીરી ચાલી હતી અને વાંધા અરજીઓ મોટી સંખ્યામાં આવતા સુનાવણી થઇ હતી. આવતીકાલ બુધવારે ફોર્મ પરત ખેંચવાની દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
ખેડા જિલ્લામાં આજે ૨૭૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી થઇ હતી. જેમાં કઠલાલ તાલુકામાં એક, કપડવંજમાં એક અને ઠાસરા તાલુકામાં સરપંચ માટે એક-એક ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે સભ્ય માટે ૫૭ ફોર્મ અમાન્ય થયા હતા. સભ્ય પદ માટે માતરમાં ૯, ખેડામાં ૧૧, મહુધામાં ૨, કઠલાલમાં પાંચ, કપડવંજમાં એક,ઠાસરામાં ૨૧, વસોમાં ૫ અને ગળતેશ્વરમાં ૩ ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા હતા. જયારે હવે સરપંચ પદ માટે ૪૭૪ ઉમેદવારી અને સભ્ય માટે ૧૧૫૬ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
આ ઉપરાંત પેટાચૂંટણી માટે સરપંચ પદ માટે ૧ અને સભ્ય માટે ૨ ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા હતા. ખેડા જિલ્લામાં ઠાસરાની ઓજરડા અને ખેડાની સેતરા ગામની ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. આણંદ જિલ્લામાં આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લામાં ફોર્મ ચકાસણી દરમિયાન મોટી સંખ્યામાં વાંધા અરજીઓ આવી હતી અને વાંધા અરજીની સુનાવણી પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ફોર્મની ચકાસણીમાં રદ થયા હતા અને મોડી રાત્રિ સુધી કામગીરી ચાલી હતી. આણંદ જિલ્લામાં સરપંચ પદ માટે કુલ ૬૪૭ અને સભ્ય માટે ૨૨૮૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા.