ખેડા જિલ્લામાં માનવતાને શરમાવતી ઘટના સામે આવી છે, જેમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ મુખ્ય આરોપી પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણે સગીરાને મીઠી વાતોમાં ફસાવીને પોતાના જાળમાં ખેંચી હતી. ત્યારબાદ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે પરવેઝ સહિત અન્ય આઠ શખ્સોએ ભેગા મળી સગીરાનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. આરોપીઓએ હદ વટાવી સગીરાના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સતત બ્લેકમેલ કરતા રહ્યા હતા. વર્ષ 2023થી લઈને 2025ના રમઝાન માસ પહેલાના સમયગાળા દરમિયાન આ શખ્સોએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી ગંભીર ગુનાઓ આચર્યા હતા.
આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(m), 65(1), 70(2), 351(2), 352, 61(2), 3(5) તેમજ પોક્સો એક્ટની કલમ 3(a), 4, 5(g)(l), 6 મુજબ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે. ઝડપી લેવાયેલા આરોપીઓને આજે બપોરે ચાંદણાં ગામે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા હતા, જ્યાં દોરડાથી બાંધીને તેમનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેનાથી ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
FIRમાં નોંધાયેલા આરોપીઓમાં (1) પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ (મુખ્ય આરોપી), (2) માહિર પઠાણ, (3) ફૈઝાન પઠાણ, (4) તૌફીક પઠાણ, (5) સાહીલ પઠાણ (પકડવાનો બાકી), (6) અયાન પઠાણ, (7) મોઇન પઠાણ, (8) મારૂફ પઠાણ અને (9) સલમાન આરીફખાન પઠાણનો સમાવેશ થાય છે. ખેડાના SP વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને વધુ પુરાવાઓ એકત્રિત કરી કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.