ખંભોળજમાં સગીરાને ભગાડી જવાનો કેસ: મુખ્ય આરોપી સહિત 4 ઝડપાયા, બે ઈનોવા કાર જપ્ત

ખંભોળજમાં સગીરાને ભગાડી જવાનો કેસ: મુખ્ય આરોપી સહિત 4 ઝડપાયા, બે ઈનોવા કાર જપ્ત

આણંદ: ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર યુવતીને ભગાડી જવાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બે ઈનોવા કાર પણ કબજે લેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, મુખ્ય આરોપીએ પોતાના કેટલાક મિત્રો તેમજ વાહનચાલકોની મદદ લઈને મધરાતના સમયે સગીરાના ગામ સુધી પહોંચીને તેને સાથે લઈ ગયો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી હતી.

ગામલોકો પીછો ન કરે તે માટે કાર બદલી

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સગીરાને લઈ જતી વખતે આરોપીઓએ પીછો કરનારાઓને ગેરમાર્ગે દોરવા માટે રસ્તામાં વાહન બદલ્યું હતું. એક ઈનોવા કારમાંથી બીજી ઈનોવા કારમાં સગીરાને બેસાડવામાં આવી હતી.

ત્યારબાદ આરોપીઓ સગીરાને લઈને મોરબી તરફ ગયા હતા.

ટેકનિકલ સર્વેલન્સથી મોરબી સુધી પહોંચી પોલીસ

ખંભોળજ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસની ટીમ આરોપીઓના પગેરું સુધી પહોંચી હતી.

તપાસ દરમિયાન પોલીસને આરોપી અને સગીરાના મોરબીમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ કાર્યવાહી કરીને પોલીસે મોરબી ખાતેથી સગીરા અને મુખ્ય આરોપીને શોધી કાઢ્યા હતા.

સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોલીસ દ્વારા તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

મદદ કરનારા 3 આરોપીઓ પણ પોલીસના સકંજામાં

આ કેસમાં પોલીસે માત્ર મુખ્ય આરોપી સામે જ નહીં, પરંતુ તેને મદદ કરનાર અન્ય વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરી છે. કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બંને ઈનોવા કાર પણ જપ્ત કરી છે. વાહનના ઉપયોગ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મદદગારો સામે પણ કાયદેસરની કાર્યવાહી

નાયબ પોલીસ અધિક્ષક જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સગીરા સાથે સંકળાયેલા પોક્સો સહિતના ગંભીર ગુનાઓમાં માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ ગુનામાં કોઈપણ પ્રકારની મદદ કરનાર વ્યક્તિ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાડી પૂરી પાડનાર, વાહન ચલાવનાર અથવા આરોપીને અન્ય રીતે મદદ કરનાર વ્યક્તિની ભૂમિકા તપાસમાં સામે આવશે તો તેમની સામે પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ખંભોળજ પોલીસે સમગ્ર કેસમાં આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે.