ખંભાત: ખંભાત સિટી પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અક્ષય ઉર્ફે લલ્લો નગીન ચુનારા સામે PASA હેઠળ કાર્યવાહી કરી છે. કાર્યવાહી બાદ આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંતર્ગત ખંભાત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલા અને ખંભાત સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. જે. બાટવાની ટીમે આરોપી વિરુદ્ધ PASAની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્તને આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતાં આરોપી સામે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, અક્ષય ઉર્ફે લલ્લો વિરુદ્ધ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુના, મારામારી, હત્યાના પ્રયાસ, જાહેર શાંતિ ભંગ અને રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત, આરોપી સામે અગાઉ કરવામાં આવેલી તડીપારની કાર્યવાહી તેમજ PASAના જાહેરનામાનો ભંગ કર્યાનો પણ ઉલ્લેખ છે.
ગંભીર ગુનાઓમાં સંડોવણી અને વારંવાર કાયદાનો ભંગ કરવાના પગલે પોલીસે PASA હેઠળ કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યો છે.