ખંભાત નગરપાલિકાના ચકડોળ ગ્રાઉન્ડની હરાજીને લઈને નવી ગૂંચવણ ઊભી થઈ છે. હરાજી દરમિયાન ફિરોજભાઈ મુલતાનીએ ₹65 લાખની સૌથી વધુ બોલી લગાવી હતી, પરંતુ નિયત સમયમર્યાદામાં બોલીની 50 ટકા રકમ જમા ન કરાતા હરાજીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નગરપાલિકાએ સૌથી વધુ બોલી લગાવનારને નોટિસ પાઠવી છે. સાથે જ હરાજી માટે ભરવામાં આવેલી ₹2 લાખની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે.
હવે નગરપાલિકા દ્વારા ચકડોળ ગ્રાઉન્ડની ફરી હરાજી કરાશે કે પછી હરાજીમાં બીજા ક્રમના બોલીદારને તક આપવામાં આવશે, તેને લઈને ચર્ચા ચાલી રહી છે. આગામી નિર્ણય નગરપાલિકાની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.
પાથરણા ગ્રાઉન્ડની હરાજી પ્રક્રિયા પૂર્ણ
બીજી તરફ, પાથરણા માટેના નીચેના ગ્રાઉન્ડની હરાજીમાં જનકભાઈ બ્રહ્મભટ્ટે ₹15 લાખની બોલી ભરીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ચકડોળની ટિકિટને લઈને શહેરીજનોની માંગ
આ સમગ્ર મામલા વચ્ચે હવે ખંભાતના શહેરીજનોની નજર આગામી હરાજી અને મેળાની વ્યવસ્થા પર છે. જો ચકડોળ ગ્રાઉન્ડની ફરી હરાજી કરવામાં આવે તો ચકડોળની ટિકિટનો ભાવ સામાન્ય લોકોના બજેટમાં રહે તેવી માંગ ઉઠી છે.
શહેરીજનોનું કહેવું છે કે ચકડોળની ટિકિટ ₹50થી ઓછી રાખવામાં આવે, જેથી બાળકો સહિત સામાન્ય પરિવારો પણ સરળતાથી મેળાની મજા માણી શકે. હવે નગરપાલિકા હરાજી અંગે શું નિર્ણય લે છે અને ટિકિટના ભાવને લઈને શું વ્યવસ્થા કરે છે, તેના પર સૌની નજર છે.