આણંદ જિલ્લાના ખંભાતના પાધરીયા વિસ્તારમાં પાસા અને તડીપારના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા ગયેલી પોલીસ ટીમ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ખંભાત શહેર પોલીસે 24 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. તેની ધરપકડ કરવા માટે એલ.સી.બી.ની ટીમ 28 સપ્ટેમ્બર 2026ની રાત્રે આશરે 10 વાગ્યે પાધરીયા વિસ્તારમાં આવેલા તેના ઘરે પહોંચી હતી.
પોલીસ ટીમ આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે અક્ષય ચુનારા, તેના પરિવારજનો સહિત અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસના આરોપ મુજબ, આશરે 55 નામજોગ અને 30 અજાણ્યા વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી બનાવી હથિયારો સાથે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને હુમલાખોરોએ ફરાર આરોપી અક્ષય ઉર્ફે લલ્લો ચુનારાને પોલીસની પકડમાંથી ભગાડી દીધો હતો. હુમલાની ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને પગલે ખંભાત શહેર પોલીસે અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા સહિત કુલ 55 નામજોગ અને 30 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 24 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.