Advertisement

ખંભાતમાં ચેક બાઉન્સ કેસમાં કડક સજા! ખેડૂતને 4 લાખના મામલે એક વર્ષની કેદ અને દંડ ફટકારાયો

ખંભાતમાં ચેક બાઉન્સ કેસમાં કડક સજા! ખેડૂતને 4 લાખના મામલે એક વર્ષની કેદ અને દંડ ફટકારાયો

ખંભાત તાલુકાના વત્રા ગામના એક ખેડૂતને 4 લાખ રૂપિયાના ચેક રીટર્ન કેસમાં ખંભાતની અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મહત્વપૂર્ણ ચુકાદો એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. એચ. ઓડેદરાની કોર્ટે આપ્યો હતો. સાથે જ અદાલતે ચેકની રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે આ કેસમાં નોંધપાત્ર નિર્ણય માનવામાં આવે છે.


ફરિયાદી યોગેશકુમાર ચીમનભાઈ પટેલ અને આરોપી દિનકરભાઈ કાંતિભાઈ પટેલ બંને વત્રા ગામના રહેવાસી અને પરસ્પર મિત્રો હતા. દિનકરભાઈએ તેમના પુત્ર-પુત્રીને વિદેશ મોકલવા માટે નાણાંની જરૂરિયાત જણાવી યોગેશકુમાર પાસેથી ત્રણથી ચાર મહિનાના વાયદે 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા છતાં રકમ પરત કરવામાં આવી નહોતી.


પછી વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન મળતા દિનકરભાઈએ 9 જૂન, 2025ના રોજ 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા બેલેન્સને કારણે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેમણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો.


ફરિયાદીએ તેમના વકીલ પી.બી. રોહિત મારફતે ડિમાન્ડ નોટિસ મોકલી અને બાદમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ખંભાત કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચુકાદા સમયે આરોપી હાજર ન હોવાથી તેમના વિરુદ્ધ નોન-બેલેબલ વોરંટ જારી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

Advertisement