હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ જ્વાળા દેવી મંદિરમાં દેવીની કોઈ પ્રતિમા નથી, પરંતુ ખડકોની તિરાડોમાંથી નીકળતી નવ પ્રાકૃતિક જ્વાળાઓની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ જ્વાળાઓ દેવી શક્તિના નવ સ્વરૂપોનું પ્રતીક છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા, હવન, યજ્ઞ અને કન્યા પૂજનનું આયોજન થાય છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે અહીં પહોંચે છે.
ખડકોની તિરાડોમાંથી નીકળે છે અખંડ જ્યોતિ
જ્વાળા દેવી મંદિરના ગર્ભગૃહમાં દેવીની મૂર્તિના સ્થાને પ્રાકૃતિક અગ્નિની જ્વાળાઓ જોવા મળે છે. આ જ્વાળાઓ ખડકોની તિરાડોમાંથી નીકળે છે અને જમીનમાંથી મળતા કુદરતી ગેસને કારણે સળગે છે. તેમાં તેલ, ઘી કે વાટનો ઉપયોગ કરીને જ્યોત પ્રગટાવવામાં આવતી નથી.
મંદિરની મુખ્ય જ્યોતિ મહાકાળીના નામે પૂજાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, અહીં દેવી સતીની જીભ પડી હતી. આથી આ સ્થાનને શક્તિ ઉપાસનાના પવિત્ર કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.
નવ જ્યોતિઓમાં દેવીનાં અલગ-અલગ સ્વરૂપ
મંદિરમાં પૂજાતી નવ જ્યોતિઓને અલગ-અલગ દેવી સ્વરૂપો સાથે જોડવામાં આવે છે. તેમાં મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ ભવાની, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજના દેવીનો સમાવેશ થાય છે.
મહાકાળી: મુખ્ય જ્યોતિ તરીકે પૂજાય છે અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
અન્નપૂર્ણા: અન્ન, પોષણ અને પરિવારની સમૃદ્ધિ સાથે જોડાયેલી છે.
ચંડી: નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતીક છે.
હિંગળાજ ભવાની: સંકટ અને બાધાઓ દૂર કરવા માટે પૂજાય છે.
વિંધ્યવાસિની: દુઃખ અને શોકમાંથી મુક્તિની કામના સાથે પૂજાય છે.
મહાલક્ષ્મી: ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે.
સરસ્વતી: જ્ઞાન અને વિદ્યાની દેવી તરીકે પૂજાય છે.
અંબિકા: સંતાનના કલ્યાણ અને સુખાકારી સાથે જોડાયેલી છે.
અંજના દેવી: આયુષ્ય અને સુખ માટે પૂજાય છે.
આ જ્યોતિઓ એક જ હરોળમાં નથી, પરંતુ ગર્ભગૃહનાં જુદાં-જુદાં સ્થળો અને પવિત્ર કુંડમાં જોવા મળે છે.
નવરાત્રિમાં વિશેષ પૂજા અને કન્યા પૂજન
જ્વાળા દેવી મંદિરમાં આસો નવરાત્રિની શરૂઆત પરંપરાગત ધ્વજારોહણથી કરવામાં આવે છે. ત્યારબાદ દેવીની વિશેષ પૂજા, હવન અને કન્યા પૂજન યોજાય છે. નવરાત્રિ દરમિયાન મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને નવેય જ્યોતિઓની વિશેષ આરાધના કરવામાં આવે છે.
કન્યાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાનો પણ યોજાય છે.
દેવતાઓ અને પિતૃઓ માટે પણ થાય છે વિશેષ અનુષ્ઠાન
જ્વાળા દેવી મંદિરમાં દેવીની પૂજા ઉપરાંત દેવતાઓ અને પિતૃઓ માટે પણ વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. હવન દરમિયાન દેવતાઓને આહુતિ આપતી વખતે ‘સ્વાહા’ અને પિતૃઓને આહુતિ આપતી વખતે ‘સ્વધા’ બોલવાની પરંપરા છે.
મંદિરના યોગિની કુંડમાં ખપ્પર પૂજા પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ અનુષ્ઠાનો પિતૃદોષ અને વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવવાની ભાવના સાથે કરવામાં આવે છે.
પેઢીઓથી ભોજક પરિવાર સંભાળે છે પૂજાની પરંપરા
જ્વાળા દેવી મંદિરની સ્થાપના અંગેની લોકકથા રાજા ભૂમિચંદ સાથે જોડાયેલી છે. માન્યતા અનુસાર, રાજાને એક સ્થળે પ્રાકૃતિક જ્વાળાઓ હોવાની જાણ થતાં તેમણે ત્યાં મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ દેવીની પૂજા માટે ભોજક વંશના બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા.
આજે પણ ભોજક પરિવારના વંશજો મંદિરની પરંપરાગત પૂજા વ્યવસ્થા સંભાળે છે. અહીંની પરંપરા અનુસાર, પૂજારી બનવા માટે લગ્ન બાદ પિતા પાસેથી દીક્ષા મેળવવી જરૂરી માનવામાં આવે છે. આ રીતે ધાર્મિક વિધિઓ અને પૂજાની પરંપરા પેઢી દર પેઢી આગળ વધે છે.
જ્વાળા દેવી મંદિરની વિશેષતા માત્ર તેની નવ પ્રાકૃતિક જ્વાળાઓમાં જ નથી, પરંતુ અહીંની સદીઓ જૂની ધાર્મિક માન્યતાઓ, અનોખી પૂજા પદ્ધતિ અને પરંપરાગત વારસામાં પણ સમાયેલી છે.