જૂનાગઢની ડેલ્ટા કરિયર એકેડેમીમાં સગીર વિદ્યાર્થીને સજા આપવાના આક્ષેપ, હોસ્પિટલમાં સારવાર

જૂનાગઢની ડેલ્ટા કરિયર એકેડેમીમાં સગીર વિદ્યાર્થીને સજા આપવાના આક્ષેપ, હોસ્પિટલમાં સારવાર

જૂનાગઢ: શહેરની જાણીતી ડેલ્ટા કરિયર એકેડેમીમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થી સાથે કથિત રીતે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, અસાઇનમેન્ટના બે-ત્રણ પ્રશ્નો સમયસર પૂર્ણ ન કરવા બદલ વિદ્યાર્થીને મોટી સંખ્યામાં ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અસાઇનમેન્ટ અધૂરું રહેતા ઉઠક-બેઠક કરાવ્યાનો આક્ષેપ

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ડેલ્ટા કરિયર એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અસાઇનમેન્ટ પૂર્ણ ન થતાં સંચાલક સંગીતા જાદવ અને શિક્ષક હાર્દિક કુવાડિયા દ્વારા તેને સજા કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીને આશરે 300 જેટલી ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પરિવારનો વધુ આક્ષેપ છે કે વિદ્યાર્થીને ડરાવવા માટે વાયર પણ હાથમાં રાખવામાં આવ્યો હતો.

તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયો

કથિત રીતે ભારે શારીરિક કસરત કરાવ્યા બાદ વિદ્યાર્થીની તબિયત અચાનક બગડી હતી. તેને ચાલવા અને બેસવામાં મુશ્કેલી પડવા લાગી હતી તેમજ પેટમાં ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થઈ હતી.

પરિસ્થિતિ ગંભીર બનતાં પરિવારજનો તેને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તબીબી તપાસ અને સીટી સ્કેન સહિતના રિપોર્ટ બાદ વિદ્યાર્થીને સઘન સારવારની જરૂર પડી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને શરૂઆતના બે દિવસ ICUમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સ્થિતિમાં સુધારો થતાં જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, તબીબી તપાસમાં વિદ્યાર્થીના શરીરના વિવિધ અંગોમાં સોજો અને નુકસાન હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ તબીબી દાવાઓ અંગે અંતિમ સ્થિતિ સત્તાવાર મેડિકલ રિપોર્ટ અને તબીબોની પુષ્ટિ બાદ જ સ્પષ્ટ થશે.

સંચાલકો હોસ્પિટલ પહોંચ્યા, ભૂલ સ્વીકાર્યાનો પરિવારનો દાવો

ઘટનાની જાણ થયા બાદ પરિવારજનો દ્વારા એકેડેમીના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મેડિકલ રિપોર્ટ્સ અંગે માહિતી મળ્યા બાદ સંચાલકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

પરિવારનો દાવો છે કે આ દરમિયાન સંચાલકોએ ઘટનાને ગંભીર ગણાવી પોતાની ભૂલ સ્વીકારી હતી અને આ અંગે સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હોસ્પિટલમાં MLC નોંધાઈ, પોલીસ તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ દ્વારા MLC નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે હોસ્પિટલ ખાતે પીડિત સગીર વિદ્યાર્થી અને તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં એકેડેમીના સંચાલકો અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સગીર વિદ્યાર્થી હોવાથી ઓળખ ગુપ્ત

આ સમગ્ર મામલામાં પીડિત વિદ્યાર્થી સગીર હોવાથી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઘટનાને લઈને વાલી વર્ગમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

હવે પોલીસ તપાસ બાદ કથિત રીતે વિદ્યાર્થીને આપવામાં આવેલી સજા, તેની પાછળનું કારણ, થયેલી ઈજા અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે.