Advertisement

જૂનાગઢ: પવિત્ર દામોદર કુંડમાં બે દિવસ પ્રવેશ બંધ, સફાઈ બાદ 23 એપ્રિલે નવા નીર સાથે ખુલશે

જૂનાગઢ: પવિત્ર દામોદર કુંડમાં બે દિવસ પ્રવેશ બંધ, સફાઈ બાદ 23 એપ્રિલે નવા નીર સાથે ખુલશે

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડને સફાઈ અભિયાનના ભાગરૂપે આગામી બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈત્ર માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા અને વિવિધ ધાર્મિક વિધિઓને કારણે કુંડમાં જમા થયેલા કચરાને દૂર કરવા માટે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક સફાઈ હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કુંડમાં તર્પણ વિધિ સહિતની તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.


વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, તારીખ 21 અને 22 એપ્રિલના રોજ દામોદર કુંડમાં પ્રવેશ બંધ રાખવામાં આવશે. આ બે દિવસો દરમિયાન કુંડના પાણીનો નિકાલ કરી તેના તળિયાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. સફાઈ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તારીખ 23 એપ્રિલના રોજ કુંડમાં નવા નીર (પાણી) ભરવામાં આવશે અને ત્યારબાદ તેને ફરીથી ભાવિકો અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.


ચૈત્ર માસનું વિશેષ મહત્વ હોવાથી છેલ્લા ઘણા દિવસોથી અહીં ભીડ જોવા મળી રહી હતી, જેના કારણે પાણીની સ્વચ્છતા જાળવવી અનિવાર્ય બની હતી. યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે અગાઉથી જ આ જાણકારી આપવામાં આવી છે, જેથી દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ પોતાની મુલાકાતનું આયોજન તે મુજબ કરી શકે.

Advertisement