રિલાયન્સ જિયોના બહુચર્ચિત IPOને લઈને રોકાણકારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ જિયો પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબર 2026ના રોજ ખુલવાની શક્યતા છે. જોકે, IPOની તારીખ, પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો અંગે કંપની તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગ્રે માર્કેટમાં પણ જિયોના IPOને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ, જિયો IPOનું GMP ₹151ના સ્તરે પહોંચી ગયું છે.
અહેવાલ પ્રમાણે IPO પહેલાં કંપનીએ અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપોર અને હોંગકોંગ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં રોડ શો કર્યા છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીની આગેવાની હેઠળ આ રોકાણકાર સંપર્ક કાર્યક્રમો યોજાયા હોવાનું સામે આવ્યું છે.
₹27,800 કરોડ સુધીનો IPO
રિપોર્ટ્સ અનુસાર જિયો IPOનું કદ આશરે ₹27,800 કરોડ હોઈ શકે છે. કંપની લગભગ 27 કરોડ નવા શેર જારી કરી શકે છે અને ઇશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ હોવાની શક્યતા છે.
સંભવિત પ્રાઇસ બેન્ડ ₹1,350થી ₹1,450 વચ્ચે રહી શકે છે. આ આધારે લિસ્ટિંગ બાદ જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન આશરે ₹12.40 લાખ કરોડથી ₹13.40 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
શું હોઈ શકે IPOનું શેડ્યૂલ?
હાલ સામે આવેલા સંભવિત શેડ્યૂલ પ્રમાણે:
- 19 ઓક્ટોબર: એન્કર રોકાણકારો માટે IPO
- 21 ઓક્ટોબર: IPO ખુલવાની શક્યતા
- 23 ઓક્ટોબર: IPO બંધ થવાની શક્યતા
- 23 ઓક્ટોબર: શેર ફાળવણી
- 28 ઓક્ટોબર: સંભવિત લિસ્ટિંગ
જોકે, આ તમામ તારીખો હાલમાં માત્ર સંભવિત છે અને અંતિમ નિર્ણય કંપનીની સત્તાવાર જાહેરાત બાદ જ થશે.
IPOની રકમનો ઉપયોગ ક્યાં થશે?
DRHP અનુસાર, IPOથી મળનારી રકમમાંથી આશરે ₹27,500 કરોડનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકોમનું દેવું ચૂકવવા માટે કરવામાં આવી શકે છે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.
આ IPOની ખાસ વાત એ છે કે તેમાં હાલના શેરધારકો દ્વારા શેર વેચાણ એટલે કે ઓફર ફોર સેલનો સમાવેશ નહીં થાય. એટલે IPOથી મળતી રકમ સીધી કંપનીને મળશે.
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની
જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. FY26ના અંત સુધીમાં કંપનીનો સબ્સ્ક્રાઇબર બેઝ 52.44 કરોડ સુધી પહોંચ્યો હતો, જ્યારે FY25માં આ આંકડો 48.82 કરોડ હતો.
જિયો પ્લેટફોર્મ્સ માત્ર ટેલિકોમ ક્ષેત્ર પૂરતી સીમિત નથી. કંપની 5G ટેક્નોલોજી, નેટવર્ક સોલ્યુશન્સ, AI ટૂલ્સ અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે.
લગભગ બે દાયકામાં રિલાયન્સ ગ્રુપની કંપનીનો આ પ્રથમ મોટો IPO હોવાથી બજારના રોકાણકારોની નજર હવે જિયોના સત્તાવાર પ્રાઇસ બેન્ડ, IPOની તારીખ અને લિસ્ટિંગ પર છે.