જામનગર જિલ્લામાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. જામનગરના જોગવડ ગામની સીમમાં આવેલી એક વાડીના ઓરડામાં ચાલતા તીનપત્તીના જુગારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવી કાર્યવાહી કરતા સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા 10 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રૂ. 2 લાખ 33 હજાર 700ની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત 2 કાર, 2 મોટરસાયકલ અને 9 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 15 લાખ 63 હજાર 700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે જોગવડ ગામના વાડી માલિક સહિત તમામ 10 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓને ધોરણસર અટક કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જુગારની પ્રવૃત્તિ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.