નડિયાદ : ખેડા જિલ્લાના પલાણા ગામમાં હોળીના પર્વે આસ્થા અને પરંપરાનો અનોખો નજારો જોવા મળ્યો હતો. હોળી દહન બાદ ગ્રામજનો દ્વારા ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવી હતી. આ અનોખા દ્રશ્યો જોવા માટે પલાણા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ગામના ચોકમાં હોળી પ્રગટાવી વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ લાકડાં બળી લાલચોળ અંગારા બનતા જ શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે અંગારા પર ચાલ્યા હતા. ગ્રામજનોના માન્યા મુજબ હોળીના પવિત્ર અંગારા પર ચાલવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેથી અનેક લોકો બાધા-આખડી પૂરી કરવા માટે પણ અહીં પહોંચે છે.
આ પ્રસંગે નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને “જય રણછોડ”ના નાદ સાથે અંગારા પર ચાલતા નજરે પડ્યા હતા. ગામમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટતા સ્થાનિક યુવક મંડળો અને અગ્રણીઓ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તકેદારી રાખવામાં આવી હતી. પલાણા ગામની આ પરંપરા હોળીના દિવસે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.