હાડગુડમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાયું, 9 આરોપી ઝડપાયા

હાડગુડમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાયું, 9 આરોપી ઝડપાયા

આણંદ તાલુકાના હાડગુડ ગામમાં રહેણાંક મકાનોમાં ગેરકાયદે કતલની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. તળાવ નજીક ગામતળ વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે મોટી માત્રામાં ગૌમાંસ, કતલના સાધનો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન અંદાજે 750 કિલો ગૌમાંસ, મોબાઈલ ફોન તેમજ કતલ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹1,66,750નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કતલના સાધનો પણ મળ્યા

દરોડા દરમિયાન પોલીસે 21 નાની છરી, 4 મોટા કોયતા, 5 કુહાડી, 2 વજનકાંટા, દોરડા અને લાકડાના થડ સહિતની સામગ્રી જપ્ત કરી હતી. પોલીસે કતલના ઇરાદે રાખવામાં આવેલા 7 જીવતા પશુઓને પણ બચાવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહી બાદ પોલીસે સ્થળ પરથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મોહમદસિદ્દીક ઉસ્માન કુરેશી, અબ્દુલકરીમ ઉસ્માનભાઈ કુરેશી, સરફરાજ રહેમાનભાઈ કુરેશી, સમીરહુસૈન સલીમભાઈ કુરેશી, સાજીદ સાબીરહુસૈન કુરેશી, હુસૈનભાઈ કાદરભાઈ કુરેશી, મોહસીનઅખ્તર અલ્લારખા કુરેશી, અલ્લારખા ઇકબાલ હુસૈન કુરેશી અને મોહમદસાહીદ કાદરભાઈ કુરેશીનો સમાવેશ થાય છે.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદે કતલખાનાની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.