ગુજરાતની મહા નગરપાલિકાઓમાં નવા શાસકોની વરણીને લઈને ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે તમામ મહા નગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)
ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હિતેશ બારોટને શહેરના નવા મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સાબરમતી વોર્ડની અંજુબેન શાહ ડેપ્યુટી મેયર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની વરણી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા
જામનગર મહાનગરપાલિકામાં પણ ભાજપે નવી ટીમ જાહેર કરી છે. મોનિકા વ્યાસને શહેરના નવા મેયર બનાવવામાં આવ્યા છે. રાકેશ ડેર ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સંભાળશે, જ્યારે કિરણ મોનાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂપડિયાની પસંદગી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા
મોરબી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સુરાણીને શહેરના પ્રથમ નાગરિક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતીભાઈ પડસુંભિયાને જવાબદારી સોંપવામાં આવી છે. અર્પિતાબા જાડેજા શાસક પક્ષના નેતા બન્યા છે, જ્યારે જયેશભાઈ દેસાઈ દંડક તરીકે નિયુક્ત થયા છે.
નવસારી મહાનગરપાલિકા
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. કેયુરી દેસાઈને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. નરેશ પુરોહિત શાસક પક્ષના નેતા અને રાકેશ પટેલ દંડક તરીકે જવાબદારી સંભાળશે.
ગાંધીધામ મહાનગરપાલિકા
કચ્છના ઔદ્યોગિક નગર ગાંધીધામમાં પણ નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. દિવ્યા નાથાણી શહેરના નવા મેયર બન્યા છે, જ્યારે નવીન જરૂં ડેપ્યુટી મેયર તરીકે કામ સંભાળશે. તેજસ શેઠને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત સાથે હવે શહેરોના વિકાસ અને નવી યોજનાઓને લઈને લોકોમાં નવી અપેક્ષાઓ જાગી છે.